ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન દ્વારા ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે આજે સાંજથી ધ ભાવનગર ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું છે, સાંજે ૬.૩૦ કલાકે ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ તથા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિધાનસભા વિપક્ષ નેતા શક્તિસિંહજી ગોહિલ સહિતના રાજકીય નેતાગણ, કલેકટર, કમિશનર, અગ્રણી, મહાનુભાવોની ઉપસ્થિતિમાં રંગારંગ ઇનોગ્રેશન સમારોહ સાથે ફૂડ ફેસ્ટિવલ ખુલ્લો મુકાશે.
ક્રિસમસ કાર્નિવલ અંતર્ગત આજે તા. ૨૫ અને આવતીકાલ તા.૨૬ ડિસેમ્બર ના રોજ ગુલિસ્તાં ગ્રાઉન્ડ ખાતે ફૂડ ફેસ્ટિવલ આયોજીત થયો છે, ભાવનગરમાં આ પ્રકારના ફૂડ ફેસ્ટિવલનું પ્રથમ વખત જ આયોજન થયું છે, ભાવનગર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ના પ્રમુખ કે.કે સરવૈયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પ્રથમ વખત ભાવનગરની તમામ હોટલ તેમજ નામાંકિત રેસ્ટોરન્ટ દ્વારા આ આયોજન થઈ રહયુ છે જેમાં શહેરની બ્રાન્ડેડ અને ફ્રેન્ચાઈજી ધરાવતા વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ જોડાનાર છે ઉપરાંત સ્થાનિક રેસ્ટોરન્ટ પણ ભાગ લેનાર છે. હોટેલ, રેસ્ટોરન્ટના સૌ વ્યવસાયીઓ પ્રથમ વખત એક સ્ટેજ પર જોવા મળશે અને ભાવનગરની સ્વાદપ્રિય જનતાને વિવિધ પ્રકારના ફયુઝન એક જ સ્થળે માણવા મળશે. ફૂડ ફેસ્ટિવલમાં બાળકો માટે ખાસ ગેમઝોન તેમજ અલગ અલગ પ્રકારની અનેક વિધ એકટીવીટી પણ રાખવામાં આવી છે તેમજ અમદાવાદના પ્રખ્યાત સાન્વી તથા આર.જે તોષાલી દ્વારા ફૂડ ફેસ્ટિવલનું એન્કરિંગ કરવામાં આવશે. તેમજ જેમાં આકર્ષીત ગ્રાઉન્ડ ડેકોરેશન તેમજ ચુસ્ત સિક્યુરીટીની વ્યવસ્થા રહેશે.
ફૂડ ફેસ્ટિવલને આકર્ષક બનાવવા આયોજક ટીમ દ્વારા છેલ્લા એક સપ્તાહથી જહેમત ઉઠાવવામાં આવી રહી છે, ભાવનગરમાં પ્રથમ વખત જ યોજાઈ રહેલા ફૂડ ફેસ્ટિવલને જબ્બર અને સફળ બનાવવા અનેકવિધ આયોજનો થયા છે જેમાં બંને મ્યુઝિક પાર્ટી દ્વારા લાઈવ મ્યુઝિક પીરસવામાં આવશે. ભાવનગરના સુદેશ પરમાર તથા વૈરાગી બેન્ડ દ્વારા મ્યુઝિક પીરસી મુલાકાતીઓને મનોરંજન પૂરું કરવામાં આવશે.