રાજ્ય સરકારે ગાંધીનગરમાં દારૂની છૂટ આપતા સુરતની સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે સ્વાભિમાન સંસ્થાના આગેવાનો દ્વારા દારૂની બોટલમાં શરબત ભરી જાહેરમાં સેવન કરતા હોય તે પ્રકારનું કાર્ય કરી વિરોધ કર્યો હતો.
ગિફ્ટ સિટીમાં પરમિશન આપી ગુજરાતની જનતા સાથે સરકાર ભેદભાવ કરી રહી છે. ગુજરાતની પ્રજા ઉપર પોલીસ દારૂ પીવાના કેસો કરી કાયદાનો કડક અમલ કરાવે છે જેની સામે તેમણે વિરોધ દર્શાવ્યો હતો. આ પ્રકારના વિરોધ સામે પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગર ખાતે નિર્માણ થઈ રહેલા ગિફ્ટ સિટીમાં ગુજરાત સરકારના નશાબંધી ખાતા દ્વારા લિકરની પરમિશન અપાતા સમગ્ર ગુજરાતમાં ક્યાંક તેની સરાહના થઈ રહી છે તો ક્યાંક આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં ગુજરાત સરકારના આ નિર્ણય સામે સ્વાભિમાન સંસ્થા દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં સ્વાભિમાન સંસ્થાના આગેવાનો દ્વારા સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે ખુલ્લેઆમ દારૂની બોટલો લઈ આવ્યા હતા અને આ દારૂની બોટલની અંદર શરબત ભરીને જાહેરમાં દારૂનું સેવન કરતા હોય તે રીતે દારૂની બોટલમાંથી શરબતના ગ્લાસ ભરી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો.