ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ હવે ભારતના મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અહેવાલ છે કે લેટેસ્ટ વીડિયોમાં તેણે અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન હિંસા માટે અપીલ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા એજન્સીઓ નવીનતમ ઘટનાક્રમને લઈને એલર્ટ મોડ પર આવી ગઈ છે. પીએમ મોદી 30 ડિસેમ્બરે અયોધ્યામાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાના છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પન્નુએ ‘યુપીના મુસ્લિમો’ને 30 ડિસેમ્બરે અયોધ્યામાં યોજાનાર રોડ શોને નિશાન બનાવવા કહ્યું છે. એટલું જ નહીં, તેણે મુસ્લિમોને એક નવો દેશ ‘ઉર્દૂસ્તાન’ બનાવવા માટે પણ કહ્યું અને આરોપ લગાવ્યો કે ટૂંક સમયમાં ભારતમાં નમાઝ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. ખાસ વાત એ છે કે પન્નુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અયોધ્યામાં મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત હવે આ અંગે અમેરિકા, બ્રિટન અને કેનેડા સાથે ઈનપુટ શેર કરવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, આ અંગે ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ભારતે વર્ષ 2020માં પન્નુને આતંકવાદી તરીકે લિસ્ટ કર્યો હતો. આ પહેલા પણ તેણે ઘણી વખત ભારતમાં હુમલો કરવાની અથવા તો ખલેલ પહોંચાડવાની ધમકી આપી હતી.
ગયા અઠવાડિયે પણ પન્નુએ પોતાને કાશ્મીર-ખાલિસ્તાન રેફરન્ડમ ફ્રન્ટના પ્રવક્તા ગણાવ્યા હતા. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનો પરના હુમલાનું પણ સમર્થન કર્યું અને કહ્યું કે આ હુમલો ‘કાશ્મીરીઓ વિરુદ્ધ ભારતની હિંસાનું પરિણામ છે.’ રિપોર્ટ અનુસાર, પન્નુએ કાશ્મીરને વિવાદિત વિસ્તાર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જનમત સંગ્રહ જ ઉકેલનો એકમાત્ર રસ્તો છે.