તમિલનાડુના એન્નોરમાં એમોનિયા ગેસ લીક થવાના સમાચાર છે. એન્નોરના સબ-સી પાઇપમાં આ ગેસ લીક થયો હતો. એમોનિયા ગેસ લીક થતાં જ આખા વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ગેસ લીકેજ થોડા સમય બાદ કાબુમાં આવી ગયો હતો. જે જગ્યાએથી ગેસ લીક થતો હતો તે જગ્યાએ રીપેરીંગ કરીને ગેસ લીકેજ બંધ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એમોનિયા ગેસના સંપર્કમાં આવતા પાંચ લોકોને અસ્વસ્થતા અનુભવાઈ હતી, જે પછી તેઓને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ હવે સ્વસ્થ છે.
એમોનિયા ગેસ લીક થયાના સમાચાર મળતાની સાથે જ ભોપાલ દુર્ઘટનાની ડરામણી યાદો ફરી એકવાર તાજી થઈ ગઈ. નોંધનીય છે કે ભારતના મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં 3 ડિસેમ્બર, 1984ના રોજ એક ભયાનક ઔદ્યોગિક અકસ્માત થયો હતો. આને ભોપાલ ગેસ કાંડ અથવા ભોપાલ ગેસ દુર્ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ભોપાલ સ્થિત યુનિયન કાર્બાઈડ નામની કંપનીની ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થયો હતો, જેના કારણે 15 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.