કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ભાવનગર જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને ડુંગળીની હરરાજી યાર્ડમાં બંધ કરવા સહિત વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ દર્શાવતા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતાં. આખરે મોટાભાગના યાર્ડમાં હરરાજી શરૂ થવા પામી છે જેમાં ભાવનગર યાર્ડમાં પણ ડુંગળીની આવક થવા સાથે હરરાજી શરૂ થઇ છે જેમાં બે દિવસમાં ૪૦ હજારથી વધુ ડુંગળીની બોરીનું વેચાણ થવા પામ્યું છે.
ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા એકાદ સપ્તાહથી હડતાલ બાદ ડુંગળીની હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને દરરોજ હજારો બોરીઓનું વેચાણ થઇ રહ્યું છે. જા કે, ખેડૂતોને પુરતા ભાવ મળતા ન હોવાનો રોષ કાયમ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં ૪૦ હજારથી વધુ ડુંગળીની બોરીઓની હરરાજી થવા સાથે વેચાણ થયું હતું જેમાં રૂ.૧૫૦ થી લઇને ૩૫૬ સુધીનો એક મણનો ભાવ ખેડૂતોને મળ્યો હતો. ગુરૂવારે માર્કેટીંગ યાર્ડમાં ૨૦,૦૧૯ બોરીનું વેચાણ થયું હતું જેમાં ૩૪૧ સુધીનો ભાવ મળ્યો હતો. જ્યારે શુક્રવારે ૧૯૯૧૯ બોરીનું વેચાણ થયું હતું જેમાં ૩૫૬ સુધીનો એક મણનો ભાવ ખેડૂતોને મળ્યો હતો. આમ બે દિવસમાં ૪૦ હજારથી વધુ બોરીનું ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં વેચાણ થવા પામ્યું છે.