વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી અને ત્રીજી જાન્યુઆરીના તમિળનાડુ અને લક્ષદ્વીપની મુલાકાત લેશે અને આ દરમિયાન અનેક વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બીજી જાન્યુઆરીએ મોદી તમિળનાડુના તિરુચીરાપલ્લીની મુલાકાત લેશે અને ભારતીદાસન યુનિવર્સિટીના ૩૮મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ હશે ઉડ્ડયન, રેલવે, રોડ, ગૅસ, શિપિંગ તથા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના ૧૯,૮૫૦ કરોડ રૂપિયાના મૂલ્યના વિવિધ વિકાસ પ્રકલ્પોનો શિલાન્યાસ કરશે.
મોદી ત્યાર બાદ લક્ષદ્વીપના અગાતી દ્વીપમાં પહોંચશે અને ત્યાં જાહેર સમારોહને સંબોધશે. ત્રીજી જાન્યુઆરીએ મોદી લક્ષદ્વીપની રાજધાની કવરટ્ટીમાં પહોંચશે અને ત્યાં ટેલિકોમ્યુનિકેશન્સ, પીવાના પાણી, સૌરઊર્જા અને આરોગ્ય ક્ષેત્રને લગતા વિવિધ વિકાસ પ્રકલ્પોનો શિલાન્યાસ કરશે.
પીએમઓએ એક નિવેદનમાં કહ્યું હતું કે ૧,૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું બે લેવલ ધરાવતું નવું ટર્મિનલ બિલ્ડિંગ દર વર્ષે ૪૪ લાખ ઉતારુને સેવા આપશે અને ધસારાના સમયે ૩,૫૦૦ યાત્રીઓને સેવા આપશે. મોદી રેલવેના વિવિધ પ્રકલ્પો દેશને સમર્પિત કરશે જેમાં મદુરાઈ-તૂતીકોરિનના ૧૬૦ કિલોમીટરના વિભાગની રેલ લાઈનને બમણી કરવાનો અને રેલલાઈનના વિદ્યુતીકરણના ત્રણ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ રેલ પ્રકલ્પો માલના અને ઉતારુના વહન કરવાની રેલવેની ક્ષમતા વધારશે તથા આર્થિક વિકાસ અને રોજગાર સર્જનમાં વધારો કરશે.
લક્ષદ્વીપમાં મોદી ૧૧૫૦ કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપશે. લક્ષદ્વીપની ઈન્ટરનેટની ધીમી ઝડપને વધારવા કોચી-લક્ષદ્વીપ આઈસલૅન્ડ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કનેકશન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાશે. વડા પ્રધાને લાલ કિલ્લામાં ઓગસ્ટ ૨૦૨૦ના સ્વાતંત્ર્ય દિનના પ્રવચનમાં આનું વચન આપ્યું હતું. આ પ્રકલ્પ પૂરો થઈ ગયો છે અને આને લીધે ઈન્ટનેટની સ્પીડ ૧૦૦ ગણી વધી જશે. આઝાદી પછી પ્રથમ વાર લક્ષદ્વીપનો સંપર્ક સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ વડે કરાશે.