રાજ્યમાં વાઈબ્રન્ટ-2024 સમિટ યોજાવાની છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં દેશવિદેશથી આવનારાં મહાનુભાવો, આમંત્રિતો, ડેલિગેટોની મહેમાનગતિમાં કોઈ કચાશ રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. આ ઉપરાંત લાયઝન અધિકારીઓને મહાનુભાવો સાથે કેવી રીતે વાતચીત- વર્તન કરવું તે અંગે ખાસ તાલીમ આપવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં માત્ર ગુજરાતી-કાઠિયાવાડી વ્યંજન જ પિરસાશે.
જાન્યુઆરીમાં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશ-વિદેશના મહાનુભાવોને ઢોકળા, ઢેબરા, ઉંધિયુ, મિલેટ પૂડલા, ફાફડા, જલેબી, ખમણ, શીરો, ભાખરી, મુઠિયા ઉપરાંત અસલ કાઠિયાવાડી વાનગીઓ પિરસવામાં આવશે, સાથે સાથે બાજરી, રાગી મકાઈ જેવા ધાન્યોના વ્યંજન પીરસીને મહેમાનનવાજી કરવામાં આવશે.
આ ઉપરાંત વિવિધ પ્રકારના ફ્રુટ, ફ્રેસ જ્યુસ ઉપરાંત ડેઝર્ટનો ય મહાનુભાવો સ્વાદ માણી શકશે. સાયન્સ સિટીની જેમ મહાત્મા મંદિરમાં રોબોટ મહેમાનોને ચા-પાણી આપી સ્વાગત કરશે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.






