અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવાના કબૂતરબાજી કૌભાંડમાં ચોક્કસ ગ્રુપ સંડોવાયેલા હોવાની તપાસ એજન્સીઓને આશંકા છે.CID ક્રાઇમે આ ઘટનામાં 10થી વધુ એજન્ટનો ડેટા ભેગો કર્યો છે. તમામ એજન્ટો પર ટેકનિકલ સર્વેલન્સ ગોઠવી દેવામાં આવ્યું છે.
ફ્રાંસના વેટ્રી એરપોર્ટ પરથી કબૂતરબાજી કૌભાંડમાં દેશના 290 જેટલા મુસાફરોને પરત ભારત મોકલવામાં આવ્યા છે. આ મુસાફરોમાં 65 મુસાફરો ગુજરાતના હતા. 65 ગુજરાતીઓમાંથી મોટાભાગના માત્ર 12મું ધોરણ પાસ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એજન્ટો બેકરી અને ગોડાઉનમાં નોકરી અપાવતા હતા. તમામને રાત્રિની શીફ્ટમાં જ નોકરી કરવાની સૂચના એજન્ટોએ આપી હતી.
ગુજરાતથી દિલ્હી અને દિલ્હીથી દૂબઇ સુધી કેવી રીતે અને કોની મદદ થકી આ મુસાફરો પહોંચ્યા હતા તેની CID ક્રાઇમ તપાસ કરશે. તમામ 65 ગુજરાતી મુસાફરો વર્ષ 10 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર 2023ના સમયગાળા દરમિયાન દૂબઇ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.આ મુસાફરો ફ્રાંસના વેટ્રી એરપોર્ટથી પ્રાઇવેટ પ્લેનમાં નિકારાગુઆ જવાના હતા અને ત્યાથી મેક્સિકો થઇને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવાના હતા. મુસાફરો જો મેક્સિકોની બોર્ડર પર ઝડપાઇ જાય તો ઇમિગ્રેશન લોયરની ખાસ ટીમ એજન્ટોએ બનાવેલી હતી. જે તમામ ફસાયેલા મુસાફરોને બચાવી શકે. જોકે, આ પહેલા જ મુસાફરો ભરેલુ દૂબઇથી ઉપડેલુ પ્લેન ફ્રાંસના વેટ્રી એરપોર્ટ પર ઇંધણ પૂરાવા ઉભુ રહ્યું ત્યારે ફ્રાંસ પોલીસને શંકા જતા આ પ્લેનને અટકાવવામાં આવ્યું હતું અને પૂછપરછ હાથ ધરતા કબૂતરબાજી કૌભાંડનો ખુલાસો થયો હતો.
કેટલાકને તો પોતાનું નામ અંગ્રેજીમાં લખતા કે વાંચતા પણ નથી આવડતું
CID ક્રાઈમ પુરવાઓ ભેગા કરવા માટે થઈને તમામ લોકોના દરવાજા ખખડાવી રહી છે. પણ 65 લોકોમાંથી કેટલાક લોકોને તો પોતાનું નામ અંગ્રેજીમાં લખતા કે વાંચતા પણ આવડતું નહી હોવાનું સામે આવ્યું છે, ત્યારે આવા લોકો કેવી રીતે ભારતમાંથી હજારો લાખો કિલોમીટર દુર પહોંચી ગયા તે બાબતને સાબિત કરવા માટે હાલ તપાસ એજન્સીઓ લાગેલી છે. બીજી બાજુ કેટલાક એજન્ટોના નામ પણ મળી આવ્યા છે, પરંતુ તે તમામ લોકોની ઓફિસે જયારે CID ક્રાઈમની ટીમ પહોંચી ત્યારે તાળા જોઈને CID ક્રાઈમ વિલા મોઢે પાછી ફરી જાય છે.