દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે સંસદ સુરક્ષા ચૂકને લઇને પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. 13 ડિસેમ્બરે સંસદમાં ઘૂસણખોરી કરનારા આરોપીઓનો પૉલીગ્રાફી ટેસ્ટ કરાવવાની માંગ કરવામાં આવી છે. કોર્ટ દિલ્હી પોલીસની અરજી પર મંગળવારે સુનાવણી કરવાની છે. આ કેસની સુનાવણી એડિશનલ સેશન જજ હરદીપ કૌર કરશે. આ મામલે છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સંસદ સુરક્ષા ચૂક મામલે મુખ્ય આરોપી લલિત ઝાની ન્યાયિક કસ્ટડીને કોર્ટે 5 જાન્યુઆરી સુધી વધારી દીધી હતી. આરોપીઓએ સંસદમાં જે રીતે ઘૂસણખોરી કરી હતી તેને કારણે મોટો વિવાદ થયો હતો. વિપક્ષે આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી અને સંસદની કાર્યવાહી શરૂ થયાના આગળના દિવસે જ વિવાદ થયો હતો. બીજી તરફ દિલ્હી પોલીસે એક્શન લેતા તમામ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પૂછપરછ કરી હતી.
દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ ગયા અઠવાડિયે લલિત ઝાની પૂછપરછ કરી હતી. તેણે આખી ઘટના બે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને દિલ્હી પોલીસના એડિશનલ પોલીસ કમિશનરને વિગતવાર જણાવી. પૂછપરછ દરમિયાન લલિતે જણાવ્યું કે સંસદમાં ઘૂસણખોરીની યોજના મહિનાઓથી ચાલી રહી હતી. પરંતુ સંસદમાં પ્રવેશવામાં સૌથી મોટી અડચણ એન્ટ્રી પાસ મેળવવાની હતી. લલિતે બાકીના આરોપીઓને પાસની વ્યવસ્થા કરવા કહ્યું હતું જેથી ઘૂસણખોરી થઈ શકે.





