અમદાવાદમાં દારૂની પીને છાક્ટા બનેલા બે પોલીસકર્મીઓ પર છેડતીનો આરોપ લાગ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં પોલીસકર્મીઓ નશામાં ધૂત જોવા મળ્યા હતા. બન્ને પોલીસકર્મીઓની ઓળખ અક્ષય ડોડીયા તેમજ રોહિત પરમાર તરીકે થઈ છે. ઉલ્લેખનીય છે કે કાયદાનું રક્ષણ કરતા જ પોલીસકર્મીઓ જ દારૂ પીધેલી હાલતમાં ઝડપાય તો સામાન્ય લોકોની સુરક્ષાનું શું, સાથે સાથે આ પોલીસકર્મીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થશે કે શું તે હવે જોવાનું રહ્યું.
આ બન્ને પોલીસર્મીઓ શાહીબાગ હેડ ક્વાર્ટર ખાતે એલઆરડી જવાન તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.પ્રાથમિક માહિતી અનુસાર આ બન્ને પોલીસકર્મીઓએ નશાની હાલતમાં મહિલાઓની છેડતી કરી હોવાનું સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો. તો બીજી તરફ સ્થાનિકોએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો.
આ ઘટનાને ધ્યાનમાં રાખીને બન્ને પોલીસકર્મીઓ વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.