દુબઇ સહિત અન્ય દેશમાંથી સોનાની તસ્કરી કરવા એરપોર્ટ પણ પકડાય નહિ તે માટે સોનાનુ પ્રવાહી સ્વરૂપ કરીને કેપ્સુલમાં ભરીને ભારતમાં લાવવામાં આવતા હોય છે. આવોજ બનાવ ગોધરા શહેરમાં બન્યો છે. તા.24 ડિસેમ્બરના રોજ ગોધરા બી ડીવીઝન પોલીસે સોનાની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે ગોધરાના રેલ્વે સ્ટેશન પાસેથી એક શંકાસ્પદ યુવકની બે કેપ્સુલ સાથે અટક કરી હતી. આ કેપ્સુલમાં ડ્રગ્સ કે સોનુ હોવાની આશંકાએ પોલીસે પ્રવાહી ભરેલ બે કેપ્સુલને સૂરત ખાતે એફએસએલમાં મોકલી આપી હતી.
એફએસએલ રીપોર્ટ આવતા કેપ્સુલમાં સોનું હોવાનું બહાર આવ્યું હતું. FSL રિપોર્ટ સામે આવતાં 97 ટકા એટલે કે 525 ગ્રામ જેટલું સોનું અને 3 ટકા સેલેનિયમ અને અન્ય ધાતુ મિશ્રણ હોવાની હકીકત સામે આવી છે. પોલીસે પકડેલા યુવકની પુછપરછ કરતાં પોતાનું નામ અદનાન સુલેમાન કુરેશી મૂળ દિલ્હીના કશ્મીરી ગેટનો હોવાનું જણાવ્યું છે અને ગોધરાના મેંદા પ્લોટ વિસ્તારની સમીના નાટી નામની મહિલાએ આ પાર્સલ આપ્યુ હતું અને દિલ્હીમાં અજાણી વ્યક્તિને આ પાર્સલ પહોચાડવાની કબૂલાત કરી છે .
પોલીસની તપાસમાં ગોધરાની મહિલા સમીના નાટી પાકિસ્તાનથી આવતા કપડા લેવા દિલ્હી જતાં ત્યાં અદનાન કુરેશીના સંપર્કમાં આવી હતી. પોલીસે સમીના નાટીના ધરે તપાસ કરતા મહિલા મળી આવી ન હતી. મહિલા પકડાય તો આ સોનું કયાંથી અને કોણે અાપ્યું તે બહાર આવી શકે તેમ છે. હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.