ભાવનગર શહેરમાં વિવિધ માળખાકીય સુવિધાઓ વધારવા રાજ્ય સરકાર દ્વારા મહાપાલિકાને રૂા.૯૩ કરોડનો ચેક આજે અર્પણ થશે. આ ચેક સ્વીકારવા મેયર, સ્ટે.ચેરમેન સહિતના પાંચેય પદાધિકારીઓ તેમજ કમિશનર, ડે.કમિશનર સહિત ૨૦ ખાતા અધિકારીઓનો કાફલો ગાંધીનગર પહોંચ્યો છે.
રાજ્યની વિવિધ મહાપાલિકા અને નગરપાલિકાઓને વિકાસ કાર્યો માટે આજે ચેક અર્પણ સમારોહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે યોજાયો છે. આ કાર્યક્રમમાં ભાવનગરથી ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપરાંત કમિશનર, ડે.કમિશનર તેમજ ખાતા અધિકારીઓને પણ ઉપસ્થિત રહેવા ફરમાન થતાં આજે મસમોટો કાફલો ગાંધીનગર જવા રવાના થયો હતો જેના કારણે કોર્પોરેશનમાં આવતા અરજદારોને આજે ખાતા અધિકારીઓ મળી શક્યા ન હતા જેના કારણે ખાતાકીય કામગીરી અવરોધાઇ હતી.