હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાની જોગવાઈઓને લઈને દેશભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ટ્રક ડ્રાઇવરો ઠેર-ઠેર રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં સરકારે આશ્વાસન આપ્યું છે કે, હાલ નવા કાયદાનો અમલ કરવામાં આવશે નહીં અને જ્યારે પણ તેનો અમલ થશે ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે. આ પછી ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ મંગળવારે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે, હાલ હિટ એન્ડ રનના નવો કાયદો લાગુ કરવામાં આવશે નહીં. આમ કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન વચ્ચે આ બેઠક સફળ રહી હતી. પરિણામે ટ્રાન્સપોર્ટ એસોસિએશને ટ્રક ડ્રાઈવરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી છે. તેમજ સરકારે ટ્રક ડ્રાઈવરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે.
‘તમે માત્ર ડ્રાઈવર નથી, અમારા સૈનિક છો’
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ અમૃત લાલ મદાને કહ્યું, “તમે માત્ર ડ્રાઈવર નથી, તમે અમારા સૈનિક છો. અમે નથી ઈચ્છતા કે તમને કોઈ અસુવિધાનો સામનો કરવો પડે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હાલમાં દસ વર્ષની સજા અને દંડના કાયદા પર રોક લગાવી દીધી છે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની આગામી બેઠક સુધી કોઈ કાયદો લાગુ કરવામાં આવશે નહીં.