22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંગે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે હવે ભવ્ય રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે રામલલાની ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિ ફાઈનલ કરી દેવામાં આવી છે. જો કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, હું આ મામલે અત્યારે કંઈ નહીં કહું. મૂર્તિકાર મંદિર સમિતિ જ તેના પર અંતિમ નિર્ણય લેશે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ X પર લખ્યું હતું કે, આપણા દેશના પ્રસિદ્ધ શિલ્પકાર, આપણું ગૌરવ અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.’
યોગીરાજ એક જાણીતું નામ છે અને સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઈંગ છે. પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ શિલ્પીના પુત્ર 37 વર્ષીય અરુણ યોગીરાજ મૈસુર મહલના શિલ્પકારોના પરિવારમાંથી આવે છે. અરુણના પિતાએ ગાયત્રી અને ભુવનેશ્વરી મંદિરો માટે પણ કામ કરી ચૂક્યા છે. MBAનો અભ્યાસ કરી ચૂકેલા યોગીરાજ પાંચમી પેઢીના શિલ્પકાર છે. એમબીએની ડિગ્રી લીધા બાદ તેમણે એક પ્રાઈવેટ કંપનીમાં પણ કામ કર્યું પરંતુ શિલ્પકાર બનવા માટે 2008માં નોકરી છોડી દીધી હતી.