ઈઝરાયલ અને હમાસ તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતો પર પડી રહી છે અને તેમા મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે ત્યારે આજે સવારે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ નજીવા વધારા સાથે 70.75 ડૉલર પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું હતું જ્યારે બ્રેન્ટ ક્રૂડ (brent crude) ઘટીને 75.89 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયું હતું. દેશમાં સવારે 6 વાગ્યે ઈંઘણના ભાવમાં સુધારો થતા ફેરફાર થાય છે ત્યારે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે.
આ નવા ભાવ મુજબ ગુજરાતમાં પેટ્રોલ 84 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આ ઉપરાંત પંજાબમાં પેટ્રોલ 51 પૈસા, ડીઝલ 48 પૈસા તેમજ મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ગોવામાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે, જો કે મહારાષ્ટ્રમાં પેટ્રોલ 11 પૈસા અને ડીઝલ 12 પૈસા સસ્તું થયું છે અને જમ્મૂ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલ-ડીઝલની કિમ્મતમાં ઘટાડો થયો છે.