પંજાબ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોમાં સિક્યોરિટી બજારોના રોકાણકારોની જરૂરિયાતોને પૂરી કરવા માટે સેબીએ એનએસઇ અને બીએસઇએ સાથે મળીને ભાવનગર, અમૃતસર અને નાસિક ખાતે “ઇન્વેસ્ટર સર્વિસ સેન્ટર”ની સ્થાપના કરી છે.
એનએસઇ દ્વારા સંચાલિત આ ઇન્વેસ્ટર સર્વિસ સેન્ટર્સની કામગીરી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ શરૂ થઇ છે. રોકાણકારો સુધીની એક્સેસ અને પહોંચ વધારવાના હેતુથી એક્સચેન્જે નવા ઇન્વેસ્ટર સર્વિસ સેન્ટર્સની સ્થાપના કરી છે. આ સેન્ટર પ્રશ્નોના ઉકેલ, ફરિયાદનું નિરાકરણ તથા સેબી સ્કોર્સ પોર્ટલ અને સ્માર્ટ ઓડીઆર પોર્ટલમાં ફરિયાદો ફાઇલ કરવા માટે જરૂરી સહાય કરે છે.
એનએસઇના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે, “ઇન્વેસ્ટર સર્વિસ સેન્ટર લિસ્ટેડ કંપનીઓ તથા સિક્યોરિટી માર્કેટ ઉપર નોંધાયેલા મધ્યસ્થીઓ સામે રોકાણકારોની ફરિયાદોનું નિવારણ લાવવામાં સુવિધા આપશે તથા રાજ્યોમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં પણ સહયોગ કરશે.”
અમૃતસર, ભાવનગર અને નાસિકમાં આઇએસસી સેન્ટર મ્યુચ્યુઅલ ફંડ્સ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ, સોવરિન ગોલ્ડ બોન્ડ, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (આરઇઆઇટી), ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ વગેરે જેવી રોકાણ સંબંધિત પ્રોડક્ટ્સ અને પ્રશ્નો સંબંધિત સાક્ષરતા, સંવાદ અને નોલેજ સેશનનું કેન્દ્ર રહેશે. આ સેન્ટર્સ સિક્યોરિટી માર્કેટમાં શીખવા, સમજવા અને રોકાણ કરવા ઉત્સુક તમામ માટે ખુલ્લું રહેશે.