આદિત્ય એલ1 મિશનની સફળતા પછી હવે ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન (ISRO) પોતાના નવા મિશનની તૈયારીમાં જોડાઇ ગયું છે. ઇસરો માટે હવે મોટુ મિશન અવકાશમાં માણસ મોકલવાનું છે. આ મિશનને વર્ષ 2025માં લૉન્ચ કરવામાં આવશે અને તેને ગગનયાન નામ આપવામાં આવ્યું છે પરંતુ તેના માટે અભ્યાસ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે મિશન ગગનયાન સાથે જોડાયેલા કેટલાક મોટા કામ થવાના છે.
આ મિશન અંગે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે મિશન ગગનયાન માટે આ વર્ષ ઘણું મહત્ત્વપૂર્ણ રહેવાનું છે. આ વર્ષે આ મિશન સાથે જોડાયેલ ટેસ્ટિંગ કરવામાં આવશે. કોઇ માણસને અવકાશમાં મોકલવું મહત્ત્વપૂર્ણ અને રોમાંચક છે, તેમણે કહ્યું કે માણસને સુરક્ષિત અને સ્વસ્થ પરત લાવવું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. અમારી પાસે એક ક્રૂ મૉડ્યુલ અને એક ઓપરેશન મૉડ્યૂલ છે અને ટેસ્ટિંગ ઉડાન આ સુનિશ્ચિત કરશે કે આ તમામ કામ તેવી રીતે જ થશે જેવી આપણે કલ્પના કરી છે.
પહેલા ઇસરો એક મહિલા રોબો વૉયો મિત્રાકોને અવકાશમાં મોકલશે
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ગગનયાનની ઉડાન પહેલા ઇસરો એક મહિલા રોબો વૉયો મિત્રાકોને અવકાશમાં મોકલશે. આ રોબોટ અવકાશમાં તે તમામ કામ કરશે, જે કોઇ માણસ દ્વારા પછી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમારી તૈયારી ઝડપથી ચાલી રહી છે અને ચંદ્રયાન-3 તથા આદિત્ય એલ1 પછી આપણા વૈજ્ઞાનિકોને આ મિશનમાં પણ સફળતા મળવાની છે.