કોઇ પણ દેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન ચાર્ટર્ડ ફ્લાઇટથી જ પ્રવાસ કરે તેવું જોવા મળતું હોય છે પરંતુ અમદાવાદ એરપોર્ટમાં અલગ ચિત્ર જોવા મળ્યું હતું. જેમાં તિમોર-લેસ્ટે દેશના પ્રેસિડેન્ટે ચાર્ટર્ડમાં નહીં પણ શેડ્યૂલ્ડ ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર આગમન કર્યું હતું. વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે જે મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં ઇસ્ટ તિમોર-લેસ્ટેના પ્રેસિડેન્ટ જોસ-રામોસ હોરતાનો પણ સમાવેશ થાય છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગુજરાતના પ્રવાસે પધારેલા તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ શ્રી જોસે રામોસ હોર્તાનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક જૂથો દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરીને તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રીને આવકારવામાં આવ્યા હતા.
આ તકે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, વિદેશ મંત્રાલયના ચીફ ઓફ પ્રોટોકોલ શ્રી અંશુમન ગૌર, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા.