વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પગલે ગાંધીનગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દેશ વિદેશથી આવનારાં વીવીઆઇપી-મહાનુભાવોને પગલે મહાત્મા મંદિરમાં એન્ટી ડ્રોન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં NSG કમાન્ડો તૈનાત કરાયા છે. છ ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પગલે મહાત્મા મંદિરની આસપાસ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. યુએઇના રાષ્ટ્રપ્રમુખ સહિત અન્ય મહાનુભવાોનું આગમન થવાનું છે ત્યારે પાટનગરના અમુક રસ્તા બંધ કરાયા છે. વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાત્મા મંદિર ઉપરાંત રાજભવન, ગિફ્ટ સિટી સહિતના સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આખાય કાર્યક્રમ દરમિયાન છ ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પ્રત્યેક ઝોનમાં એડીશનલ ડીજીના નેતૃત્વમાં 6 આઇજી, 69 એસપી, 223 ડીવાયએસપી, 6500થી વધુ પોલીસ જવાનો ફરજ પર તૈનાત રહેશે. આ ઉપરાંત 100 કમાન્ડો સહિત આઠ ક્વિક રિસ્પોન્સ ટીમ પણ સ્થળ પર હાજર રહેશે. થ્રી ડી મેપ આધારે ડ્રોન-સીસીટીવીથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવશે. સાથે સાથે મહાનુભવો-મુલાકાતીઓ માટે હાઇટેક મેપિંગના આધારે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.
ટ્રાફિકમાં અવરોઝ ઉભો ન થાય તે માટે ગાંધીનગરના મુખ્ય માર્ગો પર 34 ક્રેન પણ ગોઠવવામાં આવી છે. મહાનુભાવોના પ્રોટોકોલ માટે એરપોર્ટ પર જ 700 જેટલા પોલીસ વાહનો ખડકી દેવાયા છે.