વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા ગુજરાત આવેલા JETROના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત કાઝુયા નાકજો સાન અને પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં ફળદાયી બેઠક યોજી હતી.
જાપાનીઝ કંપનીઓ ભારત અને ખાસ કરીને ગુજરાત સાથે સેમિકન્ડક્ટર ક્ષેત્રે કામગીરી શરૂ કરવા ઉત્સુક છે. તેમજ VGGS-2024માં સહભાગી થવા લગભગ 200 કંપનીઓનું જાપાનીઝ પ્રતિનિધિમંડળ ગુજરાત આવ્યું છે તેની પણ તેમને વિગતો આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જાપાનીઝ કંપનીઓને રાજ્ય સરકારના યોગ્ય સહયોગની ખાતરી આપતા જાપાન-ગુજરાતના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ વાઈબ્રન્ટ સમિટ સંદર્ભે તેમની તાજેતરની જાપાન મુલાકાત દરમિયાન જેટ્રો સાથે થયેલી બેઠકની પણ યાદ તાજી કરી હતી.
જેટ્રોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, તેઓ ભારતમાં માત્ર સ્થાનિક બજારને જ નહીં પરંતુ ‘મેક ઈન ઈન્ડિયા’ થકી વૈશ્વિક બજારોમાં નિકાસ કરવા માટે તત્પર છે. તેમણે ડીપ ટેક સહિતના નવા ક્ષેત્રે તકો એક્સપ્લોર કરવામાં રસ દાખવ્યો હતો.
આ બેઠકમાં મુખ્યસચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીની મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ. એસ. રાઠૌર, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર સહિતના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.