લેટિન અમેરિકન દેશ ઇક્વાડોરમાં લાઇવ પ્રસારણ દરમિયાન એક ટીવી સ્ટૂડિયો પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇક્વાડોરના રાષ્ટ્રીય પોલીસ પ્રમુખે જાહેરાત કરી કે અધિકારીઓએ તમામ નકાબધારી ઘૂસણખોરોની ધરપકડ કરી છે.
એક રિપોર્ટ અનુસાર ઇક્વાડોરની પોર્ટ સિટી ગુઆયાકિલમાં ટીસી ટેલીવિઝન નેટવર્કના સેટ પર 13 નકાબધારી લોકો બંદૂક સાથે ઘુસી ગયા હતા. તે પછી લાઇવ ટીવી શો દરમિયાન જ સેટ પર હાજર લોકોને ધમકાવવા લાગ્યા હતા. હથિયારધારી લોકોએ ધમકી આપી કે બધા શાંત રહેજો નહીં તો અમે બોમ્બ ફેકી દઇશું. હુમલા સમયે બંદૂકધારીઓએ ગોળીઓ પણ વરસાવી હતી. આ તમામ ઘટના લાઇવ ટીવી શો દરમિયાન 15 મિનિટ સુધી ચાલતી રહી હતી. શરૂઆતની 1 મિનિટ લોકોને સમજમાં ના આવ્યું કે શું થઇ રહ્યું છે? સેટ પર રહેલા તમામ લોકો ડરી ગયા હતા. ટીસી ટેલીવિઝનના સમાચાર પ્રમુખ અલીના મેનરિકે કહ્યું કે તે સ્ટૂડિયો સામે કંટ્રોલ રૂમમાં હતા, જ્યારે નકાબ પહેરેલા લોકોનું એક ગ્રુપ બિલ્ડિંગમાં ઘુસી ગયું હતું. મેનરિકે કહ્યું કે તેમાંથી એક વ્યક્તિએ તેના માથા પર બંદૂક મુકી હતી અને તેને નીચે બેસવા માટે કહ્યું હતું, તે સમય સુધી ઘટનાનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જોકે, 15 મિનિટ પછી સ્ટેશનનું સિગ્નલ કાપી નાખવામાં આવ્યું હતું. જોકે, તે દરમિયાન ખબર ના પડી કે કોઇ સ્ટેશન કર્મી ઘાયલ થયું છે કે નથી થયું.
મેનરિકે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે હું હજુ પણ આઘાતમાં છું, બધુ ખતમ થઇ ગયું છે. હું માત્ર એટલું જાણું છું કે હવે આ દેશને છોડીને ઘણા દૂર જવાનો સમય આવી ગયો છે. આ સિવાય ઇક્વાડોરની જેલમાં એક ખતરનાક ડ્રગ માફિયા જોસ એડોલ્ફો મેકિયાસ ભાગી ગયો હતો. તે પછી કાલ રાત્રે 7 પોલીસ કર્મીનું અપહરણ કરવામાં આવ્યું હતું જે બાદ આખો દેશ ચોકી ગયો છે. દેશની સ્થિતિને જોતા રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆએ ઇમરજન્સીની જાહેરાત કરી છે.