વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા.
UAEના રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે PM મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા. પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. જોકે, ત્યારબાદ બંને દેશના વડા રોડ શો કરતા એરપોર્ટ તિરંગા સર્કલથી ઇન્દિરાબ્રિજ સર્કલ તરફ આગળ વધ્યા હતા. રોડ શોના રૂટ પર અલગ અલગ જગ્યાએ બનાવેલા સ્વાગત પોઈન્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક સ્વાગત પોઈન્ટ પર આસામનું સાંસ્કૃતિક નૃત્ય બીહુ રજૂ કરવામાં આવ્યું હતું. તો બીજા એક સ્વાગત પોઈન્ટ પર ગુજરાતની પરંપરાગત ભવાઈના વેશની ઝાંખી જોવા મળી હતી.
UAEમાં દરેક ત્રીજી વ્યક્તિ ભારતીય
ખાડી દેશોમાં UAEનું મહત્ત્વનું સ્થાન છે. ક્રૂડ ઓઈલ અને ભારતમાં આવતાં વિદેશી નાણાં અને નિકાસના સંદર્ભમાં ભારતનો UAE સાથે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સંબંધ છે. આ સાથે UAE ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચે નોંધપાત્ર જોડાણ બનાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લે જુલાઈમાં UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળ્યા હતા ને ભારત તથા UAE વચ્ચે તેમની સંબંધિત ચલણમાં વેપાર સમાધાનની શરૂઆતની જાહેરાત કરી હતી. તેમણે UAEના પ્રમુખને એમ પણ કહ્યું હતું કે દરેક ભારતીય તેને “સાચા મિત્ર” તરીકે જુએ છે. બંને દેશોની કરન્સીમાં વેપાર સમાધાન માટે જુલાઈમાં થયેલા કરાર ભારત અને UAE વચ્ચે મજબૂત આર્થિક સહયોગ અને પરસ્પર વિશ્વાસ દર્શાવે છે. આ સાથે UAE ભારત માટે એટલા માટે પણ ખાસ છે, કારણ કે એવું કહેવાય છે કે UAEમાં દરેક ત્રીજી વ્યક્તિ ભારતીય છે અને આ કારણથી UAE સાથે ભારતના સંબંધો રાખવા જરૂરી છે.