વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરમાં VGGS-૨૦૨૪ અંતર્ગત દેશનો સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪ ખુલ્લો મુક્યો હતો. આ ઉદઘાટન પ્રસંગે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ ન્યુસી,તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ શ્રી જોસ મેન્યુઅલ રામોસ,ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વીચ ઓન કરીને તક્તીનું અનાવરણ કરીને ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુક્યો હતો.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રી મોદીના હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટથી જ સમૃદ્ધિ અને વિકાસયાત્રા દર્શાવતી ‘ધ સમિટ ઑફ સક્સેસ ટુવર્ડ્સ રિયલાઇઝેશન ઑફ ફૂલેસ્ટ પોટેન્શિયલ ઑફ ગુજરાત’ નામની ઇ-કોફી ટેબલ બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રી દ્વારા વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ અમૃતકાળની પ્રથમ સમિટની યાદમાં ‘સ્મારક સિક્કા’ તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સફળતાપૂર્વક ૨૦ વર્ષ પૂર્ણ નિમિત્તે ‘સ્મારક સ્ટેમ્પ’નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાનશ્રીના હસ્તે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની ૨૦ વર્ષની અસર અંગે ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ‘સંશોધન અહેવાલ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સહિત મહાનુભાવોએ ગ્લોબલ ટ્રેડ શોમાં ઈન્ટરનેશનલ પેવિલિયન, ઈ-મોબોલિટી, આત્મનિર્ભર ગુજરાત, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન ટેકએડ સહિત વિવિધ પેવેલીયનોની મુલાકાત કરીને વડાપ્રધાનશ્રીએ એકઝિબિટર્સ સાથે સંવાદ કરી માહિતી મેળવી હતી.
આ ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ,ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો,નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર અને ESDM, ફિનટેક, સાયબર સુરક્ષા, AI, મશિન લર્નિંગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો રહેશે.