ભાવનગરના આંગણે આજ તા.૧૨થી ૧૬ જાન્યુઆરી એલએલડીસી નાટ્ય સ્પર્ધા-૨૦૨૪ના પ્રથમ ચરણની સ્પર્ધા શરૂ થઇ રહી છે. આ દરમિયાન ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે સુરત, વડોદરા તથા ભાવનગરની નાટ્ય સંસ્થાઓ પોતાનો ફુલ લેન્થ નાટકોની પ્રસ્તુતિ કરશે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શ્રુજન એલએલડીસી દ્વારા ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી આયોજીત આ નાટ્ય સ્પર્ધાનો ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે આજે રાત્રે ૮ કલાકે પ્રારંભ થશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૬ વર્ષથી આ સ્પર્ધા યોજાઇ રહી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી ભાવનગરમાં પણ આ સ્પર્ધામાં ભાગ લેતા નાટકો ભાવનગરમાં પણ જાવા-માણવા મળે છે. આજે ૧૨ જાન્યુઆરીએ ભાવનગરના જ વિવેક પાઠક પ્રોડક્શનનું નાટક ભણકારા ભજવાશે.
આવતીકાલ તા.૧૩ના આ જ સ્થળે રાત્રે ૮.૩૦ કલાકે એસ.જે. ઇવેન્ટ્સ-સુરત દ્વારા નસ નસમાં ખુન્નસ ભજવાશે. ૧૪મીએ સક્રાંતિની રજા બાદ ૧૫મીએ બી.આર. પ્રોડક્શન-સુરતનું હેડ્સ ઓફ હિંમતભાઇ અને ૧૬મીએ એસ.કે. એન્ટરટેઇટમેન્ટ વડોદરાનું ભયલુંએ ભારે કરી નાટક ભજવાશે. ભાવનગરમાં આ આયોજનને સફળ બનાવવા નિતીનભાઇ દવે અને તેમની ટીમ જહેમત
ઉઠાવી રહી છે. ભાવનગરના કલાપ્રેમીઓનો પણ સુંદર પ્રતિસાદ મળ્યો છે અને નિમંત્રણ પાસ અગાઉથી જ મેળવી લઇ સ્પર્ધાને માણવા કલાપ્રેમીઓ ઉત્સાહિત છે.