ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે પુર્વ બાતમી આધારે દરોડો પાડી પ્લોટ ગેટ પોલીસ ચોકી પાસે જાહેરમાં જાલીનોટનો વહીવટ કરી રહેલા નિર્મળનગર અને નવાપરાના ત્રણ યુવાનોને દબોચી લઈ તેના કબજામાંથી રૂ ૫૦૦ના દરની ૬૨ નોટ મળી આવતા કબજે લઈ ત્રણેય શખ્સોની ચાર મોબાઈલ, રોકડ, જાલીનોટ, એક એક્સેસ કબજે કરી લોકઅપ હવાલે કરી દીધા હતા. દરમિયાન આજે સવારથી જ આરોપીઓ પાસેથી બનાવટી નોટો અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને એસપી સહિત પોલીસ કાફલો આરોપીઓના કામ ધંધા સહિતના સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ એલ.સી.બી. ઓફિસ હાજર હતાં. તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, નૈતિક ભાવેશભાઈ મોદી તથા જયરાજસિંહ ગોહિલ (રહે. બંને નિર્મળનગર,ભાવનગર) તથા તૌશીફ રફિકભાઇ પરમાર (રહે.નવાપરા, ભાવનગર) તેઓનાં કબ્જાનાં એકસેસ નં. ય્ત્ન–ઈહ્લ ૩૯૮૯ લઇને ભાવનગર પ્લોટ ગેટ પોલીસ ચોકીની બાજુમાં તથા જાહેર શૌચાલયની વચ્ચે નવા બાંધકામવાળા બિલ્ડીંગની પાછળના ભાગે જાહેર રોડ ઉપર ઉભા રહીને ભારતીય ચલણની બનાવટી નોટોનો વહિવટ કરવા માટે ઉભેલ છે. જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ હાથ ધરતા નૈતિક ભાવેશભાઈ મોદી (ઉ.વ.૧૯ રહે.પ્લોટ નંબર-૧૧૮/એ, શેરી નંબર-૫, ડંકીવાળો ચોક, નિર્મળનગર, ભાવનગર), તૌશીફ રફિકભાઈ પરમાર (ઉ.વ.૨૫ રહે.ફ્લેટ નંબર-૩૦૩, શીફા ફ્લેટ, કેસરબાઈ મસ્જીદ વાળા ચોકમાં,નવાપરા, ભાવનગર), જયરાજસિંહ પ્રફુલસિંહ ગોહિલ (ઉ. વ.૨૩ રહે.પ્લોટ નંબર-૧૧૩, ભકિત શેરી, નિર્મળનગર, ભાવનગર) મળી આવતા તમામની અટક કરી તેની તલાશી લેતા શખ્સોના કબજામાંથી ભારતીય અર્થતંત્રને નુકસાન પહોચાડવાના ઈરાદે અને પોતાના અંગત આર્થિક ફાયદા માટે બનાવટી ભારતીય ચલણની રૂ.૫૦૦/-ના દરની બનાવટી નોટ નંગ-૬૨ મળી આવતા બરામત કરી શખ્સોના કબ્જા ભોગવટામાંથી રોકડ, એક ટેબલેટ, ચાર મોબાઈલ એક એકસેસ મળી કુલ રૂ ૧,૧૬,૩૧૦ના મુદ્દામાલ કબજે લઈ તેઓ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી. ૪૮૯બી, ૪૮૯સી, ૧૨૦બી, ૩૪, મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ધરવામાં આવી હતી.
રૂપિયા ૩૧ હજારની બનાવટી નોટો સાથે ઝડપાયેલા શખ્સોની પુછપરછ બાદ સ્થળ તપાસનો ધમધમાટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે જેમાં આજે સવારે તોફીક પરમાર કે જેની દુકાન અલકા સિનેમા પાસે આવેલી હોય જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ તેમજ એસઓજી પોલીસ સ્ટાફ સહિતે રિકન્ટ્રકશન સાથે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત અલગ અલગ સ્થળોએ પણ તપાસ કરવામાં આવશે જ્યારે આજે બપોરબાદ ત્રણેય શખ્સોને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે આ અંગે એસ.પી. હર્ષદ પટેલે જણાવ્યુ હતું કે આ શખ્સોનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયું છે અને અગાઉ તેમણે બનાવટી નોટો ચલણમાં મુકી છે કે કેમ અને મુકી છે તો ક્યાં ક્યાં સ્થળોએ ઉપયોગ કર્યો છે. ગુજરાત કે ગુજરાત બહાર નોટો વટાવી છે કે નહી અને તેની પાછળ કયા પરિબળો કામ કરે છે તે સહિતની તપાસ કરવામાં આવશે. અને અગાઉ ઝડપાયેલ ઝાલીનોટ પ્રકરણમાં તેમની સંડોવણી છે કે કેમ અને આંતરરાજ્ય નેટવર્ક અંગે જરૂર પડ્યે ગુજરાત બહાર પણ તપાસ માટે લઈ જવાની પણ તૈયારી દર્શાવી હતી.