રાજ્યમાં માંજાની આ ઘાતક દોરી તેમજ ચાઈનીઝ દોરી ઘણા લોકો માટે કાળ સમાન બની છે. રાજ્યમાં દોરી વાગવાની અને અકસ્માતની વિવિધ ઘટનાઓ ઘટી છે જેમાં લોકો મૃત્યુ પામ્યા છે અને ઈજાગ્રસ્ત પણ થયા છે.
વડોદરા તાલુકાના અમોદર ગામે દોરી વાગી જવાને કારણે વકીલનું મોત થયું હતું. વિગત અનુસાર વકીલને પગમાં દોરો ફસાઈ ગયો હતો જેના કારણે તેમણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યું હતું.અને નીચે પટકાયા હતા.
પંચમહાલના બોરડી ગામે 7 વર્ષના કિશોરનું પતંગની દોરીથી ગળુ કપાતા મોત થયું છે. મામાને ત્યાં ગયેલા તરુણ માછી નામના કિશોરને તેના પિતા મામાને ત્યાંથી બોરડી ગામે લઈને આવતા હતા તે સમયે આ ઘટના બની હતી. વાળીનાથ પાસે તરૂણ માછીના ગળામાં પતંગની દોરી આવી જતા તેનું ગળુ કપાતા મોત થયું છે.
જેતપુરના નવાગઢ વિસ્તારમાં પતંગ લૂંટી રહેલા બાળકને કારે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયો હતો. બાળકને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યો હતો.