ક્રિકેટ સટ્ટામાં મહાદેવ ઓનલાઈન બુક એપના પ્રમોટરો પર સિકંજો કસાયા બાદ હવે એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ દ્વારા આઈપીએલ 2023 માં ક્રિકેટ સટ્ટાના આરોપો વિશે પણ તપાસ કરશે. વાયકોમ 18 ગ્રુપ દ્વારા જીતના આગોતરા અનુમાનને કારણે 100 કરોડની આવક ગુમાવવી પડયાની ફરીયાદ કરવામાં આવી હતી તેમાં આખરે તપાસનીસ એજન્સીએ મની લોન્ડરીંગનો નવો કેસ દાખલ કર્યો છે.
વાયકોમ 18 દ્વારા ગત એપ્રિલમાં એવી ફરીયાદ નોંધવામાં આવી હતી કે ફોર પ્લે એપ ગેરકાયદે રીતે આઈપીએલ મેચોનું પ્રસારણ કરે છે અને સાથોસાથ ક્રિકેટ સટ્ટો પણ રમાડે છે. 2023 ની આઈપીએલ સીઝનમાં 31 માર્ચથી 7 એપ્રિલનાં મેચોનું ફેરપ્લે એપ પર ગેરકાયદે પ્રસારણ કરાયું હતું એપ તથા વેબસાઈટ પર મેચ દર્શાવવાની સાથોસાથ ગેરકાયદે સટ્ટો પણ રમાડાયો હતો.પરીણામે કંપનીને 100 કરોડની આવક ગુમાવવી પડી હતી.
મહાદેવ ઓનલાઈન બેટીંગ એપ પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ ડીસેમ્બરમાં પુરક ચાર્જશીટ રજુ કર્યુ હતું. આ કેસમાં ઈડી દ્વારા શનિવારે નીતીન તિબેવાલ તથા અમીલ અગ્રવાલ નામના વધુ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને 17 જાન્યુઆરી સુધી રીમાંડ પર લીધા હતા.