સુરતમાં જુગારના રૂપિયાની માથાભારે તત્વો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતા એક બેંકના મેનેજરે આપઘાત કરી લીધો હતો. બેંક કર્મચારીએ આપઘાત કરતા પહેલા આ અંગે સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં સરથાણા વિસ્તારના ત્રણ માથાભારે શખસોના નામ પણ લખવામાં આવ્યા હતા. સરથાણા પોલીસે સુસાઇડ નોટના આધારે ત્રાસ આપનાર ત્રણેય માથાભારે શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સરથાણા વિસ્તારમાં રહેતા બેંક મેનેજર અતુલ દેવચંદ ભાલાળાએ ગત મંગળવારના ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જેમાં સુરતના સરથાણા પોલીસે સ્થાનિક વિસ્તારમાં રહેતા ત્રણ માથાભારે શખસો સામે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સરથાણા પોલીસે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. પોલીસે રૂપિયાને લઈ માનસિક ત્રાસ આપનાર રજની ગોયાણી, રોનક હિરપરા અને જીગ્નેશ જીયાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ ભાવનગર, ગારીયાધારના ભમરીયા ગામનો વતની અતુલ દેવચંદ ભાલાળા (ઉં.વ. 32) પરિવાર સાથે સરથાણા શ્યામધામ ચોક પાસે આવેલા નિલમ બંગ્લોઝમાં રહેતો હતો. અતુલ પાસનો કાર્યકર હતો. તેના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. અતુલ ખાનગી બેંકમાં એકાઉન્ટ ઓપન કરવાના કામ સાથે સંકળાયેલો હતો.