અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ હવે ભક્તોની સાથે મોટી કંપનીઓ પણ પહોંચી રહી છે. આ કારણોસર, જમીનના ભાવ આસમાને છે અને લોકો તેમના જૂના વ્યવસાયોને છોડીને નવા વ્યવસાયો અપનાવી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનના જમીન ખરીદવાથી લઈને હોટેલ બિઝનેસ સુધી, અયોધ્યાના લોકો નવા રોજગારની શોધમાં છે. અમિતાભ બચ્ચને અયોધ્યાના નયા ઘાટથી લગભગ આઠ કિલોમીટર દૂર તિહુરા મઝાન ગામમાં જમીન ખરીદી છે. સરયુ નદીના કિનારે વસેલું આ ગામ એક વર્ષ પહેલા સુધી અજાણ્યું હતું. પરંતુ જ્યારથી અમિતાભ બચ્ચને અહીં જમીન ખરીદી છે ત્યારથી ગામમાં જમીનના ભાવ આસમાને આંબી ગયા છે.
તિહુરા મઝાન ગામના અરવિંદ અને વિજય જેવા 40 લોકોની સેંકડો એકર જમીન મુંબઈના એક મોટા બિલ્ડરે ખરીદી છે. ગ્રામજનોનું કહેવું છે કે બે વર્ષ પહેલા એક બિસ્વા એટલે કે 1360 સ્ક્વેર ફૂટની કિંમત 2 થી 3 લાખ હતી જે હવે વધીને 14 લાખ થઈ ગઈ છે.
મુંબઈના એક મોટા બિલ્ડર હવે 22 જાન્યુઆરીથી અહીં ફાઈવ સ્ટાર હોટલ અને લક્ઝરી ફ્લેટ બનાવવાનું શરૂ કરશે. આ જ કારણ છે કે અહીં ફોર લેન રોડનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને તેની બાજુમાં રામ મંદિરના પાવર સપ્લાય માટે 40 એકરમાં સોલાર પાર્ક પણ બનાવવામાં આવી રહ્યો છે. સર્વેશ કુમાર સિંહ વર્ષોથી અયોધ્યાના કેશવ પુરમમાં સેનેટરી શોપ ચલાવતા હતા. પરંતુ અયોધ્યામાં રામ મંદિર નિર્માણની જાહેરાત થતાં જ સેનેટરી શોપને બદલે તે આવી લક્ઝરી હોટલના માલિક બની ગયા. હવે તેઓ હોટલમાં દેશી-વિદેશી ભોજન પીરસવાની સાથે મહાનગરોમાં યાત્રિકોને સુવિધા પુરી પાડવામાં પણ વ્યસ્ત છે.
હોટેલ ઓપરેટર સર્વેશ સિંહે એક મૂલકતમાં જણાવ્યુ હતું કે, જ્યારે બધું બદલાઈ ગયું તો પછી આપણે કેમ પાછળ રહી જઈએ. મેં એક હોટેલ પણ બનાવી અને રેસ્ટોરન્ટ માટે દક્ષિણ ભારતમાંથી સારા રસોઈયા લાવ્યો. એક વર્ષ પહેલા સુધી લગભગ ચારથી પાંચ લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવતા હતા, હવે વાર્ષિક પચાસ લાખ શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે. જેના કારણે 110 ફાઇવ અને સેવન સ્ટાર હોટલ બનાવવાનો પ્રસ્તાવ છે.
રામાયણ યુનિવર્સિટી બનાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. અયોધ્યાને એરપોર્ટ, રેલ અને હાઈવે સાથે જોડવાને કારણે આસપાસના વિસ્તારોમાં મોંઘવારીની સાથે વિકાસની આંધી આવી છે. અયોધ્યા જિલ્લાના તિહુરા માઝા ગામના રહેવાસી શ્યામલાલે લોઢા ગ્રુપને 6 બિસ્વા જમીન 24 લાખ રૂપિયામાં વેચી છે. શ્યામલાલ કહે છે કે જમીનનું વેચાણ વહીવટીતંત્રની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું અને સૌએ સોદો ફાઇનલ કર્યો હતો અને તેમને બજારના દર પ્રમાણે ભાવ મળ્યા હતા.