વડોદરાના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના ઘટી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના ધોરણ 1થી 6ના બાળકોને મોટનાથ તળાવની મુલાકાતે લઈ ગયા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ લગાવવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 12 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરામાં હરણી હોનારત બાદ હરણી તળાવ ડેવલપમેન્ટ માટેના કોન્ટ્રક્ટર સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. જેમાં આ કોન્ટ્રાક્ટરે બીજા કોઈને કોન્ટ્રાક્ટ આપી નિયમોનો ભંગ કર્યો છે. પાલિકાએ વર્ષ 2017માં પરેશ શાહ નામના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે કોન્ટ્રાક્ટ પરેશ શાહે બીજી કોઈ કંપનીને આપી દીધો હતો. આ તરફ બોટિંગ માટે 5 વર્ષથી ઉપરના બાળકોના 60 રૂપિયા લેવાતા હતા. તેમાં પણ બોટની કેપેસિટી 17 લોકોની જ હતી, પરંતુ હેમખેમ રૂપિયા કમાવવાની લાલચમાં બોટમાં આશરે 30 જણાં ભરી દીધા હતા. જેથી ના થવાનું થયું હતું અને બોટ હરણી તળાવમાં ઉંધી વળી ગઈ હતી. જેમાં નિર્દોષ 15 જણાં કાળનો ભોગ બન્યા હતા. આ બધાની વચ્ચે ઘટનાસ્થળે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, સેવ ઉસળની લારી ચલાવતો વ્યક્તિ અહીં બોટ ચલાવતો હતો.
આ મામલે મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂદ્ધમાં હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ 18 લોકો સામે 304,308, 337,338, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ FIRમાં મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહનું નામ નથી. આ દુર્ધટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું સામે આવ્યું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી
વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં કેન્દ્ર સરકાર મૃતકના પરિવારજનને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય કરશે. જ્યારે રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને 4 લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય કરશે.