દેશની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓની ફરિયાદોના નિરાકરણ માટે લોકપાલની રચના કરવી જરૂરી છે, પરંતુ વારંવાર સૂચના આપવા છતાં દેશની અનેક યુનિવર્સિટી યુજીસીની સૂચનાની અવગણના કરી રહી હતી જેની સામે UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) એ કડક કાર્યવાહી કરી છે. ગુરુવારે યુજીસીએ લોકપાલની નિયુક્તિ નહીં કરનાર દેશની 256 યુનિવર્સિટીને ડિફોલ્ટરની યાદીમાં મૂકી છે અને તે યાદી પણ જાહેર કરી દીધી છે. દેશની 256 યુનિવર્સિટીમાં ગુજરાતની 19 સ્ટેટ અને ખાનગી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
યુનિવર્સિટીમાં લોકપાલની પોસ્ટ કોઈપણ નિવૃત્ત વાઇસ ચાન્સેલર અથવા 10 વર્ષનો અનુભવ ધરાવતો નિવૃત્ત પ્રોફેસર અથવા ભૂતપૂર્વ જિલ્લા ન્યાયાધીશ હોવો જોઈએ. લોકપાલની રચના કરવાનો હેતુ વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ કરવાનો હતો.
UGCએ કહ્યું હતું કે, જો વિદ્યાર્થીઓ ફરિયાદ નિવારણ સમિતિઓ પાસેથી રાહત મેળવવામાં નિષ્ફળ જાય તો ન્યાય માટે લોકપાલનો સંપર્ક કરી શકે છે. દેશની 1,091 યુનિવર્સિટીમાંથી માત્ર 297 યુનિવર્સિટીમાં લોકપાલની નિમણૂક કરવામાં આવી છે, જે કુલ યુનિવર્સિટીના માત્ર 27.2% છે. તેનો અર્થ એ કે 72.8% યુનિવર્સિટીઓએ UGC માર્ગદર્શિકાના અમલમાં અવગણના કરી છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એપ્રિલ 2023માં દેશની તમામ યુનિવર્સિટીઓને લોકપાલની નિમણૂક કરવા કહ્યું હતું. આ માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓને 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ નિમણૂક ન થયા બાદ પણ રિમાઇન્ડર આપવા અને લોકપાલની રચના કરવા વારંવાર વિનંતી કરવામાં આવી હતી, પરંતુ કેટલીક યુનિવર્સિટીઓએ નિયમોનું પાલન કર્યું ન હતું. ત્યારબાદ શૈક્ષણિક સંસ્થાઓને 31 ડિસેમ્બર, 2023 અથવા તે પહેલાં લોકપાલની નિમણૂક કરવા સમય આપ્યો હતો. તેમ છતાં નહીં કરતા લોકપાલની નિયુક્તિ નહીં કરનાર યુનિવર્સિટીને ડિફોલ્ટરની યાદીમાં સામેલ કરી છે. સતત પાલન ન કરવાના કિસ્સામાં, યુજીસી રેગ્યુલેશન્સ અનુસાર શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવી શકે છે.