કડી શહેરમાં રિટાયર્ડ ASI બાઈક ઉપર જીઆરડી મહિલા કર્મીને તેમના બાઈક ઉપર બેસાડીને ભાગ્યોદય ચોકડી ઉપર મૂકવા જઈ રહ્યા હતા ત્યારે જ સામેથી ફૂલઝડપે આવી રહેલા ડમ્પરે તેઓને ટક્કર મારી હતી અને બંને જણા બાઈક સાથે રોડ ઉપર પછડાયા હતા. જ્યાં પાછળનું ટાયર પોલીસ કર્મી ઉપર ફરી વળતા ઘટનાસ્થળે તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
કડી ખાતે રહેતા અને ગુજરાત પોલીસ વિભાગમાં નોકરી ઉપરથી નિવૃત્ત થયેલા શંકરલાલ સાલવી ASI તરીકે 2019માં કડી પોલીસ મથકમાંથી રીટાયર્ડ થયા હતા. નિવૃત થયા બાદ તેઓ તેમની પત્ની સાથે કડી મુકામે જ રહેતા હતા તેમજ તેમનો દીકરો અમદાવાદ ખાતે નોકરી કરે છે. નિવૃત એએસઆઈ પોલીસ કર્મી શુક્રવારે બપોરે તેમના બાઈક ઉપર જીઆરડી મહિલા કર્મી મંજુલાબેનને બેસાડીને ભાગ્યોદય ચોકડી ઉપર મહિલા જી.આર.ડી કર્મીનો પોઇન્ટ હોવાથી તેઓને ત્યાં મૂકવા જઈ રહ્યા હતા. જે દરમિયાન પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલા સરદાર બાગના દરવાજા સામે પહોંચતા સામેથી આવી રહેલ ડમ્પરચાલકે ધડાકાભેર તેઓને ટક્કર મારતા બંને જણા રોડ ઉપર પછડાયા હતા.
અકસ્માત થતા ડમ્પરચાલક પોતાનું ડમ્પર લઈને ફરાર થઈ ગયો હતો. જ્યાં ડમ્પરનું પાછળનું ટાયર નિવૃત્ત પોલીસ કર્મીના માથા ઉપર ફરી વળતા તેઓનું મોત થયું હતું. અકસ્માત થતા પોલીસ કર્મીઓ તેમજ લોકો આવી પહોંચ્યા હતા અને તેઓને કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જે બાદ જી.આર.ડી મહિલા કર્મીએ નિવૃત પોલીસ કર્મીના પુત્રને અકસ્માતની જાણ કરતા તેમનો પુત્ર રાહુલ પોતાના પરિવાર સાથે કુંડાળ સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યો હતો.