રામલલાની મૂર્તિની ઊંચાઈ 51 ઈંચની છે. કમળનાં ફુલ સાથે તેની લંબાઈ 8 ફીટ અને વજન આશરે 150-200 કિગ્રા છે. મૂર્તિનું નિર્માણ શ્યામ શિલા પત્થરને કોતરીને બનાવાઈ છે. આ મૂર્તિ અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરવામાં આવી છે. પ્રભુ શ્રીરામની આ મૂર્તિ પણ તેમણે જ તૈયાર કરી છે. આ મૂર્તિ શ્યામવર્ણી છે જેને લઈને લોકોનાં મનમાં સવાલ ઊઠી રહ્યાં છે કે શા માટે રામમંદિરમાં શ્યાવર્ણી મૂર્તિ પસંદ કરવામાં આવી છે.
રામાયણમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુ શ્રીરામ શ્યામવર્ણનાં હતાં અને તેથી જ આ મૂર્તિ પણ શ્યામ રંગની તૈયાર કરવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર ભગવાન રામ-શ્યામ અને શિવ ગૌણ વર્ણનાં હતાં. ભગવાન શ્રીરામનાં સ્તુતિ મંત્રમાં કહેવાયું છે કે-
नीलाम्बुज श्यामल कोमलांगम सीतासमारोपित वामभागम्। पाणौ महासायकचारूचापं नमामि रामं रघुवंशनाथम्।।
..અર્થાત નીલકમળ સમાન શ્યામ અને કોમળ જેમનું અંગ છે, સીતાજી જેમના વામ ભાગમાં વિરાજમાન છે, જેમના હાથમાં અમોઘ બાણ અને સુંદર ધનુષ છે, તે રઘુવંશનાં સ્વામી શ્રીરામચંદ્રજીને હું નમસ્કાર કરું છું.
રામલલાની ત્રણ મૂર્તિઓનું નિર્માણ થયું છે જેમાંથી એક તો મૂર્તિકાર સત્યનારાયણ પાંડે જેમણે રાજસ્થાની શિલાથી મૂર્તિ તૈયાર કરી છે, મૂર્તિકાર ગણેશ ભટ્ટ અને અરુણ યોગીરાજ જેમણે કર્ણાટકનાં શ્યામ શિલાથી 2 મૂર્તિઓનું નિર્માણ કર્યું છે. રામલલાની મૂર્તિનું નિર્માણ કરવાની જવાબદારી કર્ણાટકનાં પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ યોગીરાજને સોંપવામાં આવી હતી.