ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ હજુ શાંત પડ્યું નથી. ઈઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે, મધ્ય ગાઝામાં હમાસ સાથેના યુદ્ધમાં તેના 21 સૈનિકો માર્યા ગયા છે. યુદ્ધ શરૂ થયા બાદ સેનાને થયેલું આ સૌથી મોટું નુકસાન છે.
અહેવાલ અનુસાર, ઈઝરાયલની સેનાના મુખ્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હેગારીએ જણાવ્યું હતું કે, ‘સૈનિકો સોમવારે મધ્ય ગાઝામાં બે ઈમારતોને તોડી પાડવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે એક આતંકીએ રોકેટ સંચાલિત ગ્રેનેડ છોડ્યો હતો. જેના કારણે વિસ્ફોટકો ફૂટ્યા અને ઈમારતો ધરાશાયી થતા સૈનિકો કાટમાળ નીચે દટાઈ ગયા અને મૃત્યુ પામ્યા હતા.’