રામલલા પ્રાણ પ્રતિષ્ઠા પછીના બીજા દિવસે શ્રી રામલલાના દર્શન માટે રામપથ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. અગાઉ, મંગળવારે, રામલલાના અભિષેકના બીજા દિવસે, રામ ભક્તોનું ઘોડાપૂર મંદિરમાં જોવા મળ્યું હતું. મંદિર ખુલવાનો સમય સવારે સાત વાગ્યાનો છે, પરંતુ રામજન્મભૂમિ માર્ગ પર સવારના ત્રણ વાગ્યાથી જ ભક્તો આવવા લાગ્યા હતા.
ભક્તોની આસ્થાએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ દિવસે દર્શનનો નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો. મંગળવારે પાંચ લાખ ભક્તોએ શ્રી રામ દરબારમાં હાજરી આપી હતી. રાત્રે 9 વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરાયા હતા. વ્યવસ્થા સુચારૂ બનાવવા માટે સીએમ યોગી આદિત્યનાથે પોતે સાંજે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે ભક્તોને અયોધ્યા પહોંચ્યા બાદ ધીરજ રાખવાનો આગ્રહ કર્યો. આ દરમિયાન અયોધ્યા આવતી રોડવેઝની બસોને પણ રોકવી પડી હતી.
જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે નિર્ણય કર્યો છે કે હવે સવારે છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી સતત દર્શન થશે. ડીએમ નીતિશ કુમારે કહ્યું કે આ દરમિયાન આરતી અને ભોગ માટે થોડા સમય માટે દર્શન બંધ કરી દેવામાં આવશે.