કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પુરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. આ અંગે રાષ્ટ્રપતિ ભવન તરફથી એક નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતિ પહેલા, તેમને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જનતા દળ યુનાઈટેડ (JDU)એ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. આ જાહેરાત બાદ જેડીયુએ મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરે કહ્યું કે અમને 36 વર્ષની તપસ્યાનું ફળ મળ્યું છે. હું મારા પરિવાર અને બિહારના 15 કરોડ લોકો તરફથી સરકારનો આભાર માનું છું. કર્પૂરી ઠાકુરનો જન્મ સમસ્તીપુર જિલ્લાના પિતુઝિયા ગામમાં થયો હતો. તેમણે 1940માં પટનામાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને સ્વતંત્રતા ચળવળમાં ઝંપલાવ્યું. કર્પુરી ઠાકુરે આચાર્ય નરેન્દ્ર દેવ સાથે ચાલવાનું પસંદ કર્યું. આ પછી તેમણે સમાજવાદનો માર્ગ પસંદ કર્યો અને 1942માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં ભાગ લીધો. જેના કારણે તેમને જેલમાં પણ રહેવું પડ્યું હતું.
1945 માં જેલમાંથી બહાર આવ્યા પછી, કર્પૂરી ઠાકુર ધીમે ધીમે સમાજવાદી ચળવળનો ચહેરો બની ગયા, કર્પૂરી ઠાકુર 1952માં તાજપુર વિધાનસભા મતવિસ્તારમાંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે જીતીને ધારાસભ્ય બન્યા હતા. 1967ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં, કર્પૂરી ઠાકુરના નેતૃત્વમાં યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટી એક મોટી શક્તિ તરીકે ઉભરી આવી, જેના પરિણામે બિહારમાં પ્રથમ વખત બિન-કોંગ્રેસી પક્ષની સરકાર બની.
જ્યારે મહામાયા પ્રસાદ સિંહા મુખ્યમંત્રી બન્યા ત્યારે કર્પૂરી ઠાકુર નાયબ મુખ્યમંત્રી બન્યા અને તેમને શિક્ષણ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો. કર્પૂરી ઠાકુરે શિક્ષણ મંત્રી રહીને વિદ્યાર્થીઓની ફી નાબૂદ કરી હતી અને અંગ્રેજીની આવશ્યકતા પણ નાબૂદ કરી હતી. થોડા સમય પછી બિહારની રાજનીતિએ એવો વળાંક લીધો કે કર્પૂરી ઠાકુર મુખ્યમંત્રી બન્યા. આ સમયગાળા દરમિયાન તેઓ છ મહિના સુધી સત્તામાં રહ્યા. તેમણે એવા ક્ષેત્રો પરની મહેસૂલ નાબૂદ કરી જે ખેડૂતોને કોઈ નફો આપતી ન હતી, 5 એકરથી ઓછી જમીન ધરાવતી જમીન પરની આવક પણ નાબૂદ કરી અને ઉર્દૂને રાજ્ય ભાષાનો દરજ્જો પણ આપ્યો. આ પછી, તેમની રાજકીય શક્તિમાં જબરદસ્ત વધારો થયો અને કર્પૂરી ઠાકુર બિહારના રાજકારણમાં સમાજવાદનો મોટો ચહેરો બની ગયા.