રામજન્મભૂમિ સંકુલમાં રામલલાની સ્થાવર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ચુકી છે. રામલલાની સ્થાવર મૂર્તિ માટે ત્રણ શિલ્પકારોએ ત્રણ મૂર્તિઓ બનાવી હતી, જેમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. બાકીની બે પ્રતિમાઓનું શું થશે તે અંગે ટ્રસ્ટે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. જો કે બાકીની બે પ્રતિમાઓ પણ ભવ્ય અને દિવ્ય છે. રાજસ્થાનના શિલ્પકાર સત્યનારાયણ પાંડે દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કર્ણાટકના અરુણ યોગીરાજ અને ગણેશ ભટ્ટ કૃષ્ણએ ખડક પર શિલ્પ બનાવ્યું છે જ્યારે સત્યનારાયણ પાંડેએ આરસની શિલા પર શિલ્પ બનાવ્યું છે. રામ મંદિરમાં અરુણ યોગીરાજની શ્યામ શિલાની સ્થાપના કરવામાં આવી છે.
મંગળવારે સત્યનારાયણ પાંડે દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાની તસવીર પણ વાયરલ થઈ રહી છે. આરસના પથ્થર પર બનેલી રામલલાની મૂર્તિમાં શ્રી હરિના દસ અવતાર પણ જોઈ શકાય છે. આ ઉપરાંત લક્ષ્મણ, ભરત, શત્રુહન અને હનુમાનજીની મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે.
મૂર્તિના ઉપરના ભાગમાં ભગવાન બ્રહ્મા, શંકર, ગુરુ વશિષ્ઠ અને વિશ્વામિત્રની મૂર્તિઓ પણ રામલલાને આશીર્વાદ આપતી જોવા મળે છે. આ મૂર્તિને પણ સુંદર રીતે શણગારવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયનું કહેવું છે કે જે બે અન્ય પ્રતિમાઓ બનાવવામાં આવી છે તેમને સંપૂર્ણ સન્માન આપવામાં આવશે, ટૂંક સમયમાં અમે નક્કી કરીશું કે આ પ્રતિમાઓને કેવી રીતે સન્માન આપવું.