દિલ્હીની એક સરકારી શાળામાં ચિંતાજનક ઘટના બની હતી, સિનિયર વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણમાં ભણતા એક જુનિયર વિદ્યાર્થીને માર્યો હતો જેના કારણે બાળક મોતને ભેટ્યો.
અહેવાલો મુજબ આ મામલો દિલ્હીના શાસ્ત્રીનગર વિસ્તારની એક શાળાનો છે. 11 જાન્યુઆરીના રોજ 12 વર્ષના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી, 20 જાન્યુઆરીએ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. પરિવારજનોની માંગ છે કે આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
મૃતક વિદ્યાર્થીના દાદાએ જણાવ્યું કે મારો પૌત્ર ફાઈટર પાઈલટ બનવા માંગતો હતો. પરંતુ હવે અમારા બધા સપના તૂટી ગયા છે. મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ અમને તેનો મૃતદેહ મળ્યો હતો. હવે અમે તેમના અંતિમ સંસ્કાર કરીશું અને ગામ પરત ફરીશું. પરિવારે જણાવ્યું હતું કે અમે ઘણી વખત શાળાએ ગયા, અમને કહેવામાં આવ્યું હતું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બાળકના દાદાએ કહ્યું, ‘અમે અમારા બાળકોને સારા માણસ બનવા માટે શાળાએ મોકલીએ છીએ. અમારા બાળકોની સંભાળ રાખવાની જવાબદારી શાળાના શિક્ષકો અને આચાર્યની હતી.
બાળકની માતાએ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને અપીલ કરી છે કે આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. માતાએ કહ્યું, ‘અમે સીએમ કેજરીવાલ પર વિશ્વાસ કર્યો અને અમારા બાળકને સરકારી શાળામાં ભણવા મોકલ્યો. પરંતુ અમને ખબર ન હતી કે શાળામાં જ તેની સાથે આવું કંઈક થશે. શાળામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા નથી. આ બાબતની ગંભીરતાથી તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે.’