અમિત શાહે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ગાંધીનગર સ્થિત કેમ્પસ ખાતેથી NFSU તેમજ ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિમિનોલોજી દ્વારા આયોજિત પાંચમા આંતરરાષ્ટ્રીય અને ૪૪માં અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલન અને ‘સ્ટેટ ઓફ ધ આર્ટ સેન્ટર ઓફ એક્સેલંસ ઈન ડિજિટલ ફોરેન્સિકસ‘નો શુભારંભ કરાવ્યો આ તકે જસ્ટિસ અરુણકુમાર મિશ્રા, રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા, NFSU ના વાઇસ ચાન્સેલર પદ્મશ્રી જે. એમ. વ્યાસ, આમંત્રિત મહેમાનો, સબંધિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આ તકે સંબોધન કરતા જણાવ્યું હતું કે, સુખદ સંયોગ છે કે જ્યારે ભારતની ક્રિમીનલ જસ્ટિસ સિસ્ટમ તેના નવા યુગમાં પ્રવેશ કરી રહી છે તેવા સમયે આજે અહીં પાંચમા આંતરરાષ્ટ્રીય અને ૪૪માં અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલનનો પ્રારંભ કર્યો છે. ભારત ૧૫૦ વર્ષ જૂના અને અંગ્રેજોની ગુલામીના પ્રતીકસમા IPC, CRPC અને ઍવિડેન્સ એકટને સ્ક્રેપ કરી ભારતીય ન્યાયસંહિતા, ભારતીય સુરક્ષા અને સાક્ષ્ય સંહિતાને દેશ સમક્ષ મૂકી છે. આ ત્રણેય નવા ક્રિમીનલ કાયદાના બહુમુખી મુદ્દાઓ આજની આ કોન્ફરન્સ સાથે સંકળાયેલા છે. સમય પર ન્યાય મળે, સજાનો દર વધારી અપરાધો પર લગામ કસવા, ઇન્વેસ્ટીગેશનને સરળ બનાવવા ટેકનોલોજીની સ્વીકૃતિ સાથે કાનૂની વ્યવસ્થા વધુ મજબૂત કરવા કેન્દ્ર સરકાર પગલાં લઈ રહી છે. બાળકો અને મહિલાઓ સાથે અપરાધ થી મોટો કોઈ અપરાધ નથી માટે નવા ક્રિમીનલ લો માં બાળકો અને મહિલાઓ સાથે સંકળાયેલા ગુનાના ઉલ્લેખને પ્રાથમિકતા અપાઈ છે.