ઇરાન સમર્થિક હૂથી વિદ્રોહીઓએ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના નાકમાં દમ કરી દીધો છે. દરિયામાં સતત અમેરિકન જહાજોને નિશાન બનાવનારા હૂથી વિદ્રોહીઓએ ફરી એક વખત એડનની ખાડીમાંથી પસાર થતા અમેરિકન જહાજ મેર્સ્ક ડેટ્રૉઇટ પર 3 બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. યૂએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે 24 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે હૂથી વિદ્રોહીઓએ યમનના હૂથી નિયંત્રિત વિસ્તારમાં અમેરિકાના કન્ટેનર જહાજ એમવી મેર્સ્ક ડેટ્રૉઇટ તરફ ત્રણ એન્ટી શિપ બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી.
યૂએસ સેન્ટ્રલ કમાન્ડ એટલે કે સેન્ટોમે આગળ કહ્યું કે હૂથી દ્વારા છોડવામાં આવેલી એક મિસાઇલ દરિયામાં પડી હતી. બે અન્ય મિસાઇલ યૂએસએસ ગ્રેવલી (ડીડીજી 107)એ સફળતાપૂર્વક તોડી પાડી હતી. જહાજને કોઇ નુકસાન થયું નથી.
અમેરિકા અને બ્રિટન બન્ને દેશોએ સોમવારે વિદ્રોહીઓ પર હુમલો કર્યો હતો અને તેના આઠ ઠેકાણાને ધ્વસ્ત કર્યા હતા. અમેરિકા-બ્રિટનના હુમલાને કેનેડા, નેધરલેન્ડ, બહેરીન અને ઓસ્ટ્રેલિયાએ પણ સમર્થન કર્યું હતું. અમેરિકન સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે હૂથી વિદ્રોહીઓના ઠેકાણા પર હુમલામાં સફળ રહ્યા અને મિસાઇલ, હથિયાર ગોડાઉન અને ડ્રોન સિસ્ટમને નષ્ટ કરી દીધી હતી.