દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ચાલી રહેલાં કેસમાં નવો વળાંક આવ્યો છે. ચૈતર વસાવાની બીજી પત્ની શકુતંલા સહિત 3 આરોપીની જામીન અરજીની સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થાય તે પહેલાં જ અરજી પાછી ખેંચી લેવામાં આવી છે. રાજપીપળાની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવે તેવી સંભાવના છે. બીજી તરફ જામીન મળી ગયાં હોવા છતાં ચૈતર વસાવાએ જેલમાંથી બહાર આવવાનો ઇન્કાર કરી દીધો છે.
દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના શરતી જામીન રાજપીપળાની સેશન્સ કોર્ટે મંજૂર કરી દીધાં છે. પણ પત્ની અને તેમના સાથીદારોને જામીન મળ્યાં નહિ હોવાથી ચૈતર વસાવાએ જેલમાં જ રહેવાનો નિર્ણય લીધો છે. તેમની બીજી પત્ની શકુતંલા અને બે અન્ય આરોપીને હજી જામીન મળ્યાં નથી. આરોપીઓએ જામીન માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી પણ સુનાવણી પહેલાં જ અરજી પાછી ખેંચી લીધી છે. હવે જામીન માટે રાજપીપળાની સેશન્સ કોર્ટમાં અરજી કરાશે. વનકર્મીઓને ધમકાવી 60 હજાર રૂપિયા પડાવી લેવાના ગુનામાં ધારાસભ્ય સહિત 9 આરોપીને જામીન મળી ગયાં છે. જ્યારે 3ને હજી જામીન મળ્યાં નથી.
આજે તેમને પણ જામીન મળે તેવી સંભાવના છે. કોર્ટે ધારાસભ્યને 13 શરતો સાથે જામીન આપ્યાં છે. જેમાં જ્યાં સુધી કોર્ટમાં ટ્રાયલ ચાલે ત્યાં સુધી ભરૂચ અને નર્મદા જિલ્લાની બહાર રહેવું પડશે. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ચૈતર વસાવા આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર છે. ત્યારે તેઓ આ શરતો સામે પિટિશન કરી શકે છે.





