સ્કૂલના બાળકોના શૈક્ષણિક ડેટાની સાથે સાથે હવે હેલ્થ ડેટાનો રેકર્ડ પણ સરકાર રાખશે. કેન્દ્ર સરકારના UDISE પોર્ટલ પર હવે બાળકોનું નામ, સરનામું, આધારકાર્ડ નંબર, જન્મતારીખ સહિતની બાબતોની સાથે સાથે તે બાળકનું બ્લડગ્રૂપ, હાઈટ, વજન સહિતની હેલ્થને લગતી બાબતો પણ અપલોડ કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં જુદી જુદી નાની-મોટી બીમારીઓ, કુપોષણ, લોહીની ખામી અને તાજેતરમાં બાળકોમાં પણ હાર્ટએટેકના કિસ્સાઓ સામે આવતા સરકાર એલર્ટ થઇ છે અને રાજકોટ સહિત રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ ખાનગી શાળાઓના ધોરણ-1થી 8ના આશરે 55 લાખથી વધુ બાળકોનો હેલ્થ ડેટા એકત્રિત કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાઓને પણ સૂચના આપી દેવામાં આવી છે. સંભવત આગામી એક મહિનામાં રાજ્યભરમાંથી બાળકોના હેલ્થ ડેટાની વિગતો સરકાર પાસે આવી જશે. કેન્દ્રીય શિક્ષણ વિભાગની આ પહેલથી હવે માત્ર એક ક્લિકથી રાજ્યભરના ધોરણ 1થી 8ના બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત આંકડાઓ જાણી શકાશે. આવું કરવાથી બનાવટી પ્રોફાઈલ ઉપર રોક લાગશે અને બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જુદી જુદી બાબતોનું પણ નિરાકરણ કરી શકાશે.
રાજ્યની દરેક સ્કૂલ માટે બાળકોનો હેલ્થ ડેટા અપલોડ કરવો ફરજિયાત છે. સ્કૂલના બાળકોનું બ્લડગ્રૂપ, લંબાઈ અને વજન સહિતની હેલ્થ સંબંધિત બાબતો ઓનલાઈન કરવાથી ઈમર્જન્સીની સ્થિતિમાં બાળકની સારવાર કરવા સહિતની બાબતમાં સરળતા રહેશે. ઘણીવાર સ્કૂલ કે પ્રવાસમાં આવવા-જવા દરમિયાન થતા અકસ્માતના કિસ્સામાં બાળકોને તાત્કાલિક બ્લડની જરૂર પડતી હોય છે, પરંતુ બ્લડગ્રૂપની તપાસ કરવામાં સમય લાગી જાય છે. આવી સ્થિતિમાં UDISE પોર્ટલ પરથી બાળકનો આધારકાર્ડ નંબર નાખવાથી તેનું બ્લડગ્રૂપ સહિતની વિગતો જાણી શકાય છે. ડોક્ટરને પણ બાળકનો ઈલાજ કરવામાં સરળતા રહે છે. ડેટા અપડેટ કરવા શાળાના આચાર્યોને જવાબદારી સોંપી છે.
11 અંકનો કોડ, જેના આધારે વિદ્યાર્થીનો રેકર્ડ ટ્રેક થાય છે
UDISE (યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન) એ 11 અંકનો કોડ હોય છે. જેમાં પહેલા ત્રણ આંકડા રાજ્ય, બીજા ત્રણ આંકડાથી જિલ્લાની ઓળખ થાય છે. બાકીના આંકડા બ્લોક, ગામ, શહેર અને સ્કૂલની ઓળખ કરવા માટેના હોય છે. યુ-ડાયસ કોડ આધારકાર્ડના નંબર જેવો હોય છે જે છાત્ર મોડ્યુલ કેન્દ્ર, રાજ્ય, જિલ્લા, બ્લોક અને સ્કૂલ સ્તર પર રિપોર્ટ તૈયાર કરવામાં મદદ કરે છે. આ યુ-ડાયસ નંબરના આધારે વિદ્યાર્થીના રેકર્ડ ટ્રેક કરવામાં મદદ મળે છે. આ નંબરના આધારે બનાવટી પ્રોફાઈલ પર રોક લાગે છે અને સ્કૂલમાં વિદ્યાર્થીઓની સાચી સંખ્યા જાણી શકાય છે.