જૉર્ડનમાં એક અમેરિકી ચેકપોસ્ટ પર આખી રાત ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકોના મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા બે ડઝન સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે. આ અંગે અમેરિકાએ સત્તાવાર નિવેદન પણ જાહેર કર્યું છે.
અમેરિકી અધિકારીઓએ સીએનએનને કહ્યું કે, ગાઝા યુદ્ધની શરૂઆત બાદ પ્રથમવાર મધ્ય પૂર્વમાં દુશ્મનના ગોળીબારમાં અમેરિકી સૈનિકોના મોત થયા છે. સીએનએને જણાવ્યું કે, યુએસ સેન્ટ્રલ કમાન્ડના સત્તાવાર નિવેદનમાં પુષ્ટિ કરાઈ છે કે, ઉત્તર-પૂર્વ જૉર્ડનમાં એક બેઝ પર એકતરફી ડ્રોન હુમલા કરાયા છે, જેમાં ત્રણ સૈનિકો માર્યા ગયા છે અને 25 ઈજાગ્રસ્ત થયા છે.
ઈરાક અને સીરિયામાં અમેરિકી અને ગઠબંધન દળો પર શુક્રવાર સુધીમાં 158થી વધુ હુમલા થયા છે. અધિકારીઓએ ડ્રોન, રૉકેટ અને મિસાઈલના સતત હુમલાને નિષ્ફળ બનાવ્યા છે, કારણ કે આ તમામ હુમલામાં કોઈપણ ઈજાગ્રસ્ત થયું નથી અને માળખાને પણ નુકસાન થયું નથી.
અમેરિકી અધિકારીઓ દ્વારા વારંવાર નિવેદન અપાયું છે કે, ‘અમે ઈચ્છતા નથી કે, મધ્ય પૂર્વમાં વધતા તણાવથી ક્ષેત્રીય યુદ્ધ શરૂ થાય.’ આ ઘટના અંગે વ્હાઇટ હાઉસ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ગત રાત્રે સીરિયા સરહદ પાસે ઉત્તર-પૂર્વ જોર્ડનમાં તૈનાત અમારા દળો પર માનવરહિત હવાઈ ડ્રોન હુમલો થયો હતો. આ હુમલામાં અમેરિકાના 3 સૈનિકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે અમે હજુ પણ આ હુમલા અંગે તથ્યો એકત્રિત કરી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે તે સીરિયા અને ઇરાકમાં કાર્યરત કટ્ટરપંથી ઈરાન સમર્થિત આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવ્યું હતું.