રાજ્યમાં નવી સરકાર બન્યા બાદ હવે NDAએ RJD વિરૂદ્ધ પ્રથમ એક્શન લીધુ છે અને વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. બિહાર વિધાનસભાના અધ્યક્ષ અવધ બિહારી ચૌધરીને પદ પરથી હટાવવા માટે ભાજપના નંદકિશોર યાદવે વિધાનસભા સચિવને અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે.
RJD નેતા અવધ બિહારી ચૌધરી જો સ્પીકરના પદ પરથી રાજીનામું આપતા નથી તો તેમણે બહુમતથી હટાવવામાં આવશે. સ્પીકર વિરૂદ્ધ નોટિસ આપનારા પ્રસ્તાવમાં પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી, પૂર્વ ડેપ્યુટી સીએમ ભાજપના તારકિશોર પ્રસાદ, જેડીયુના વિનયકુમાર ચૌધરી, રત્નેશ સદા સહિત કેટલાક અન્ય ધારાસભ્યોએ પણ હસ્તાક્ષર કર્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે બિહારમાં NDA ગઠબંધન પાસે 128 ધારાસભ્ય છે જ્યારે વિપક્ષી મહાગઠબંધન પાસે 114 ધારાસભ્ય છે. સ્પીકર અવધ બિહારી ચૌધરી વિરૂદ્ધ 128 ધારાસભ્ય હોવાથી તેમને હટાવવાનું નક્કી છે.