જમીનના બદલે નોકરી કેસમાં EDએ RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની 9 કલાક કરતા વધુ પૂછપરછ કરી હતી. આજે બિહારના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી તેજસ્વી યાદવની ED પૂછપરછ કરશે.તેજસ્વી યાદવ ED કાર્યાલય પહોંચશે. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા 22 ડિસેમ્બર અને 5 જાન્યુઆરીએ EDએ તેજસ્વી યાદવને પૂછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ તે બન્ને વખત તપાસ એજન્સી સામે હાજર થયા નહતા. આ પહેલા તેજસ્વી યાદવની 11 એપ્રિલ 2023માં આ મામલે EDએ 8 કલાક પૂછપરછ કરી હતી.
બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં ફરી એક વખત NDA સરકાર બનવાના એક દિવસ પછી જ તેજસ્વી યાદવને EDએ પૂછપરછની નોટિસ મોકલી છે. લેન્ડ ફોર જોબ કેસમાં તપાસ એજન્સીએ 19 જાન્યુઆરીએ નોટિસ મોકલી લાલુ યાદવને 29 જાન્યુઆરીએ અને તેજસ્વી યાદવને 30 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા.
આ પહેલા સોમવાર સવારે 11 વાગ્યા બાદ શરૂ થયેલો લાલુ પ્રસાદ યાદવને સવાલોનો સિલસિલો મોડી સાંજ સુધી ચાલતો રહ્યો હતો. આ દરમિયાન લાલુ પ્રસાદ યાદવના પુત્રી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતી ED ઓફિસની બહાર રાહ જોતા રહ્યાં હતા, તેમની સાથે RJDના તમામ સીનિયર નેતા અને સમર્થક પણ ઉભા રહ્યા હતા.
જમીનના બદલે નોકરીનો કેસ લાલુ પ્રસાદ યાદવના રેલ મંત્રી રહેવા દરમિયાનનો છે, તે સમયે રેલ્વેના વિવિધ વિભાગના પદો પર ગ્રુપ ડીની ભરતી નીકળી હતી. આરોપ અનુસાર, આ દરમિયાન લાલુ પ્રસાદ યાદવે નોકરી મેળવનારા યુવકોના પરિવારજનો પાસેથી લાખોની જમીન સસ્તા ભાવે ખરીદી હતી. આ કેસ 2004થી 2009ની વચ્ચેનો છે. આ ઘટનાનો ખુલાસો થયા બાદ CBIએ 18 મે, 2022માં લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી અને તેજસ્વી યાદવ સહિત 17 લોકો વિરૂદ્ધ કેસ નોંધ્યો હતો.