લવ-જેહાદ દ્વારા યુવતીઓને પોતાનો ધર્મ છોડીને તેમના ધર્મને જ સર્વોચ્ચ માનવાનું શીખવવામાં આવે છે. આ જ ઘટનાને આધારિત બોલિવૂડમાં ‘ધ કેરાલા સ્ટોરી’ નામની ફિલ્મ પણ બનાવવામાં આવી હતી, જે એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મમાં જેની કહાની દર્શાવવામાં આવી છે તેમાંની કેરળની ચાર યુવતીને આજે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશને બોલાવી હતી.
આ યુવતીઓની આપવીતીથી પાટીદાર સમાજની દીકરીઓ આ ષડયંત્રથી દૂર રહે એવો મેસેજ જાય એવો ઉદ્દેશ વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનનો હતો. જેહાદની શિકાર બનેલી કેરળની શ્રુતિ નામની યુવતીએ જણાવ્યું હતું કે હું એટલી જેહાદી બની ગઈ કે મારી મા પર હાથ ઉપાડ્યો હતો. જ્યારે અન્ય એક વૈશાલી શેટ્ટીએ જણાવ્યું હતું કે ધીમે ધીમે હું આ જેહાદના ષડયંત્રમાં ફસાતી ગઈ હતી.
વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશની ચાર દીકરી જેહાદીઓ સામે લડત આપીને પોતાના ધર્મ તરફ પરત ફરી છે, સાથોસાથ જ અન્ય ઘણી બધી દીકરીઓએ લવ-જેહાદને માત આપી છે. લવ-જેહાદ ચાલી રહ્યું છે એ એક વ્યવસ્થિત ષડયંત્ર છે. બે બાબત છે. જેમાં એક બાબત આની જાણ સમાજની દીકરીઓને કરવી અને એના પ્રત્યે એલર્ટ રહે અને એમાંથી આપણીઓ દીકરી બચે. બીજી અગત્યની બાબત એ છે કે આપણી દીકરીઓ લવ-જેહાદમાં ફસાઈ જાય છે, એ દીકરીઓને તેમનાં માતા-પિતા કે સમાજ સ્વીકારતો નથી, આથી વિશ્વ ઉમિયાધામ એ અભિયાન લઈને ચાલી રહ્યું છે કે કોઈપણ સમાજની દીકરી હોય, તે પોતાની વ્યથા કહે તો વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન હંમેશાં તેમની સાથે ઊભું રહેવા તૈયાર છે.