એક તરફ વંદે ભારત દેશના અલગ અલગ ભાગમાં લોકોની મુસાફરી આસાન બનાવી રહી છે બીજી તરફ કેટલાક લોકો વંદે ભારત ટ્રેનને નિશાન બનાવી રહ્યાં છે. આ ઘટના ચેન્નાઇ-તિરૂનેલવેલી વંદે ભારત એક્સપ્રેસમાં બની છે. કેટલાક અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો.
તાજેતરમાં શરૂ કરવામાં આવેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચેન્નાઇ એગ્મોર સ્ટેશનથી રવાના થયા બાદ ગંગઇકોદન અને નારીકીનારૂ સ્ટેશન વચ્ચે હતી. આ દરમિયાન કેટલાક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં કોઇ મુસાફર ઘાયલ થયો નથી પણ આ ઘટના બાદ મુસાફરોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
ટ્રેન રાતના 10.40 વાગ્યે તિરૂનેલવેલી રેલ્વે સ્ટેશન પર પહોંચી હતી. તે બાદ ટેકનીશિયન્સે તેનું નીરિક્ષણ કરીને નુકસાનનો અંદાજો લગાવ્યો હતો. તિરૂનેલવેલી રેલ્વે સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું કે, સવારે 6 વાગ્યે ટ્રેનની ફરી ચેન્નાઇમાં ચલાવવા માટે અસ્થાઇ સમારકામ કરી દેવામાં આવ્યું છે. તિરૂનેલવેલી રેલ્વે સ્ટેશન પર નોંધાયેલી ફરિયાદના આધારે રેલ્વે પોલીસે વાંચિમાનિયાચી અને ગંગઇકોંડન સ્ટેશન અને થૂથુકુડી સ્થિત જીઆરપીને સાવચેત કરી દીધા છે. પોલીસે કેટલાક સ્થળના સીસીવીટી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.