મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે આવેલા વાળીનાથ મહાદેવ મંદિર ખાતે આગામી 16થી 22 ફેબ્રુઆરી સુધી ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. 22 ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદીના હસ્તે વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. વડાપ્રધાન મોદી સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તે,જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ સાથે જ ભારતના સંતો-મહંતોની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે.
વાળીનાથ મહાદેવ મંદિરના મહંત જયરામગીરી બાપુએ આ અંગે માહિતી આપી કે 16થી 22 ફેબ્રુઆરી સુધી વાળીનાથ મહાદેવનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દૈનિક 3 લાખ લોકો આ ઉત્સવમાં દર્શનનો લાભ લેશે. 22 તારીખે યોજાનાર પ્રાણપ્રતિષ્ઠામાં 5 લાખથી વધુ ભક્તો ઉમટે તેવી શક્યતાઓ છે.