હૈદરાબાદ, બેંગ્લોર અને મુંબઈ એરપોર્ટ બાદ હવે અમદાવાદ એરપોર્ટ પર પણ વેલે પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પર છ મહિના પહેલા શરૂ કરવામાં આવેલી આ સુવિધાને સારો પ્રતિસાદ મળતા અમદાવાદ એરપોર્ટ પર પણ આ સુવિધા શરૂ કરવામાં આવી છે. વિશ્વના અન્ય દેશોના એરપોર્ટ જેટલી સુવિધા મળી રહે તે હેતુથી વેલે પાર્કિંગ શરૂ કરવામાં આવી છે. વેલે પાર્કિંગની સુવિધા લોકોને રોજગારી પણ મળી રહે અને એરપોર્ટ પર આવતા મુસાફરોને પૂરતી સુવિધા મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદના SVP એરપોર્ટ પર શરૂ કરવામાં આવેલ વેલે પાર્કિંગમાં જો કોઈ વ્યક્તિ પોતાની કાર અરાઇવલ પાસે વેલે પાર્કિંગ કરાવે અને તેમને ડિપાર્ચર પાસે તેમની ગાડીની જરૂરિયાત હોય તો મુસાફરોને તે સ્થળ પર પણ પોતાની ગાડી મળી રહે છે. તે પણ ફક્ત 2થી 3 મિનિટમાં ગાડી મળી જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસમાં શરૂ કરેલી આ સુવિધાને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરરોજ ડિપાર્ચર અને અરાઇવલ એરિયા થઈને 150થી 200 ગાડીઓનું વેલે પાર્કિંગ થાય છે. તેના માટે હાલમાં 10 લોકોને તૈનાત રાખવામાં આવે છે. જો ભવિષ્યમાં મુસાફરો દ્વારા આ સુવિધાને વધુ સારો પ્રતિસાદ મળશે તો સ્ટાફમાં પણ વધારો કરવામાં આવશે તેમ અમદાવાદ એરપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તદુપરાંત આ સુવિધાને ખાસ કરીને ડિપાર્ચર એરિયામાં વધુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.કાર પાર્કિંગમાં 30 મિનિટના ₹100 હોય છે જ્યારે 1.5 કલાક સુધીના ₹150 હોય છે તે રીતે વેલે પાર્કિંગમાં ઓછામાં ઓછું 1 કલાકનું ભાડુ વસૂલવામાં આવે છે. નવી શરૂ કરેલી વેલે પાર્કિંગની સુવિધા માટે 1 કલાકના ₹150 ચૂકવવાના રહેશે. ડોમેસ્ટિક એરપોર્ટ પર મળતી કારપાર્કિંગની સુવિધામાં દરેક 1.5 કલાક બાદ 8 કલાક સુધી ₹50નો વધારો થાય છે.