એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મંગળવારે મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક લોકોના ઘર પર દરોડા પાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે દરોડાના ભાગરૂપે રાષ્ટ્રીય રાજધાનીમાં લગભગ 10 જગ્યાઓની તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ બિભવ કુમાર અને દિલ્હી જલ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય શલભ કુમાર અને અન્ય કેટલાક લોકોના ઘરની તપાસ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ નારાયણ દાસ ગુપ્તાના ઘરે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા ચાલુ છે. આપને જણાવી દઈએ કે AAP આજે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી હતી. આ પ્રેસ કોન્ફરન્સ પહેલા જ EDએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓના આવાસ પર દરોડા પાડ્યા છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને આતિશીએ ભાજપ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફર કરવાનો આરોપ લગાવ્યો હતો. આતિશીએ કહ્યું હતું કે ભાજપ દિલ્હીમાં AAP સરકારને તોડી પાડવા માગે છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ બંને નેતાઓની પૂછપરછ કરીને પુરાવા એકત્ર કરવા માગે છે. કેજરીવાલના કહેવા પ્રમાણે, ભાજપે કહ્યું- 25 કરોડ રૂપિયા આપશે અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે. 21 ધારાસભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે. અન્ય ધારાસભ્યો સાથે પણ વાત કરી રહી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડશે.
આ દરમિયાન દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી આતિશીએ ક્રાઈમ બ્રાન્ચ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, “મને અને સીએમ કેજરીવાલને આપવામાં આવેલી નોટિસ ન તો સમન્સ છે કે ન તો એફઆઈઆર. ન તો તેમાં આઈપીસી અથવા સીઆરપીસીની કોઈ કલમનો ઉલ્લેખ છે. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચને તેમના રાજકીય આકાઓએ એક ખેલ બનાવી દીધી છે. દિલ્હીના અધિકારીઓ ડરપોક બની ગયા છે. અમને તેમના ઉપર દયા આવે છે.”
ભાજપે આ આરોપોને ફગાવી દીધા અને 30 જાન્યુઆરીએ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને મળ્યા. ભાજપના આગેવાનોએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. પાર્ટીએ AAPના આરોપોની તપાસની માગ કરી છે. આ પછી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ કેજરીવાલ અને આતિષી પાસેથી ભાજપ પર લાગેલા આરોપો અંગે પુરાવા માગી રહી છે.